7 મહિના પહેલાં ગળાફાંસો ખાઇ લેનાર ધો.10ના છાત્રનું મોત

ભણતરની ચિંતા કે અન્ય કારણ?: નેપાળી પરિવારમાં ગમગીની શહેરમાં વિધાનગર મેઇન રોડ પર રહેતા નેપાળી પરિવારના ધો.10ના છાત્રએ સાત મહીના પહેલા ગળાફાંસો ખાઇ લીધો હતો.…

ભણતરની ચિંતા કે અન્ય કારણ?: નેપાળી પરિવારમાં ગમગીની

શહેરમાં વિધાનગર મેઇન રોડ પર રહેતા નેપાળી પરિવારના ધો.10ના છાત્રએ સાત મહીના પહેલા ગળાફાંસો ખાઇ લીધો હતો. જેનું સારવાર દરમિયાન હોસ્પીટલના બિછાને દમ તોડી દેતા મોત નીપજયું છે. ભણતરની ચિંતા કે અન્ય કારણ ? તે અંગે પોલીસે તપાસ હાભથ ધરી છે.જાણવા મળતી વિગત મુજબ મુળ નેપાળના અને હાલ વિધાનગર મેઇન રોડ પર રામકૃષ્ણ એપાર્ટમેન્ટમાં રહેતા રંગબહાદુર વિશ્વકર્માના પુત્ર શની (ઉ.વ.18)એ આજથી સાતેક મહીના પૂર્વે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.

બાદમાં રજા આપતા તેને ઘરે લઇ જવામાં આવ્યો હતો. ફરી તેની તબીયત લથડતા સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. જયાં યુવાને સારવાર દરમિયાન હોસ્પીટલના બિછાને દમ તોડી દેતા તેનું મોત નિપજયું હતું.

આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી એ ડીવીઝન પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક શની પાંચ ભાઇમાં નાનો અને ધો.10માં અભ્યાસ કરતો હતો. તેના પિતા ગેરેજમાં સર્વિસ સ્ટેશનમાં કામ કરે છે. ભણતરની ચિંતામાં કે અન્ય કારણે આ પગલું ભરી લીધુ? તે અંગે પરિવારજનો પણ અજાણ હોય. પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. યુવાન પુત્રના મોતથી નીપાળી પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.