AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટમાં 93 ટકા લોકો ફેઇલ

વડોદરા RTO ખાતે શરૂૂ કરાયેલો રાજ્યનો સૌ પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક વાહન ચાલકો માટે સાચે જ અગ્નિપરીક્ષા સમાન સાબિત થઈ રહ્યો…

વડોદરા RTO ખાતે શરૂૂ કરાયેલો રાજ્યનો સૌ પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક વાહન ચાલકો માટે સાચે જ અગ્નિપરીક્ષા સમાન સાબિત થઈ રહ્યો છે. આ નવી ટેકનોલોજી અમલમાં આવતા જ હવે વગ, ભલામણો અને વચેટીયાઓનો યુગ આથમી ગયો છે. સંપૂર્ણ પારદર્શી અને કડક સિસ્ટમના કારણે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા આવતા વાહનચાલકોને પરસેવો વળી રહ્યો છે અને લાયસન્સ મેળવવું હવે લોઢાના ચણા ચાવવા સમાન બન્યું છે.

ગત 2 જૂનથી વડોદરા છઝઘમાં શરૂૂ થયેલા આ હાઇટેક AI ટેસ્ટ ટ્રેક પર માનવીય દખલગીરી સાવ નાબૂદ થઈ ગઈ છે. આખા ટ્રેક પર 16 જેટલા અત્યાધુનિક કેમેરા અને સેન્સર્સ ગોઠવવામાં આવ્યા છે, જે ડ્રાઇવિંગ કરનારની દરેક નાની-મોટી ભૂલ પર પળેપળની નજર રાખે છે. આ ટેસ્ટમાં ખાસ કરીને ટ્રાફિક સિગ્નલનું પાલન, પરફેક્ટ રિવર્સ પાર્કિંગ અને સૌથી અઘરા ગણાતા રિવર્સ ’એસ’ આકારના ટ્રેક પર વાહનચાલકો સૌથી વધુ નાપાસ થઈ રહ્યા છે. સેન્સર સહેજ પણ ટચ થાય એટલે કોમ્પ્યુટર સિસ્ટમ ઓટોમેટિકલી ઉમેદવારને ફેઇલ જાહેર કરી દે છે.
છેલ્લા એક મહિનાના ડ્રાઇવિંગ ટેસ્ટના આંકડાઓ અત્યંત ચોંકાવનારા છે. ફોર-વ્હીલર ચાલકોની વાત કરીએ તો, કુલ 1908 કાર ચાલકોએ લાયસન્સ માટે ટેસ્ટ આપ્યો હતો, જેમાંથી માત્ર 147 લોકો જ સફળતાપૂર્વક પાસ થઈ શક્યા છે, જ્યારે 1761 લોકો ફેઇલ સાબિત થયા છે. આમ, કાર ચાલકોમાં નાપાસ થવાનો દર 93 ટકા જેટલો ઊંચો નોંધાયો છે. તેની સરખામણીએ ટુ-વ્હીલર ચાલકોનું પરિણામ થોડું સારું રહ્યું છે, જ્યાં 3626 ચાલકોમાંથી 2727 લોકો પાસ થયા છે, જ્યારે 899 લોકો નાપાસ થયા છે.

આ કડક ટેસ્ટિંગ પ્રક્રિયા અને નાપાસ થનારાઓની વધતી સંખ્યાના કારણે છઝઘમાં નવી એપોઇન્ટમેન્ટ મેળવવા માટે પણ ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. હાલમાં RTO ખાતે રોજ સરેરાશ 120 ફોર-વ્હીલર અને 184 ટુ-વ્હીલર ચાલકો ટેસ્ટ આપી રહ્યા છે. પરિણામે, વેઇટિંગ પિરિયડ ઘણો વધી ગયો છે. હાલમાં ફોર-વ્હીલરની ટેસ્ટ એપોઇન્ટમેન્ટ માટે 30 થી 35 દિવસ અને ટુ-વ્હીલર માટે 20 થી 25 દિવસ સુધીની લાંબી રાહ જોવી પડી રહી છે, જેનાથી અરજદારોમાં થોડો અસંતોષ પણ જોવા મળી રહ્યો છે.

અરજદારોનું સ્પષ્ટ કહેવું છે કે માનવીય ટેસ્ટિંગની સરખામણીએ AI ટ્રેક પર ટેસ્ટ આપવો ખૂબ જ કઠિન છે. જો કે, આરટીઓ અધિકારીઓ અને ટ્રાફિક નિષ્ણાતોના મતે, રસ્તા પર સુરક્ષિત ડ્રાઇવિંગ માટે અને અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે આ પ્રકારની કડકાઈ અને પારદર્શિતા ખૂબ જ અનિવાર્ય છે. હવે માત્ર સાચે જ સારું ડ્રાઇવિંગ જાણતા લોકો જ રસ્તા પર વાહન લઈને નીકળી શકશે.