Site icon Gujarat Mirror

જામનગરમાં 15 મીનિટમાં 100 ગ્રામના 9 લાડુ સફાચટ

જામનગરમાં છેલ્લા 17 વર્ષથી ગણેશ ચતુર્થીના દિવસે બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા ઓપન સૌરાષ્ટ્ર મોદક સ્પર્ધાનું આયોજન કરવામા આવ્યુ હતુ આ વર્ષે 18માં વર્ષમાં પણ અલગ-અલગ ત્રણ કેટેગરીમાં કુલ 59 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. પુરુષ વિભાગમાં નાનજીભાઈ મકવાણાએ 09 લાડુ આરોગીને સતત બીજા વર્ષે પ્રથમ નંબર મેળવ્યો છે. જ્યારે મહિલા વિભાગમાં સતત પાંચમાં વર્ષે પદ્મિનીબેન ગજેરા 07 લાડુ આરોગીને વિજેતા થયા છે. તો બાળકોના વિભાગમાં 04-04 લાડુ ખાઇને નક્ષ હિંડોચા અને રિશિત આચાર્ય વચ્ચે ટાઇ થઇ હતી. જોકે, ચિઠ્ઠી ઉલાળીને નક્ષને વિજેતા જાહેર કરાયો હતો.

આ સ્પર્ધામાં 30 મિનિટનો સમય આપવામાં આવતો હતો. જોકે આ વર્ષે 18માં વર્ષે યોજાયેલી સ્પર્ધામાં 15 મિનિટનો જ સમય હતો. આ વર્ષે સ્પર્ધકો માટે અંદાજિત 100-100 ગ્રામના 250 લાડુ બનાવવામાં આવ્યા હતા. જેમાંથી 239 લાડુ સ્પર્ધકોએ આરોગ્યા હતા. લાડુમાં શુદ્ધ ઘી ઉપરાંત ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. સ્પર્ધામાં સ્પર્ધકને લાડુની સાથે દાળ પણ પીરસવામા આવે છે.

પુરુષોમા પ્રથમ નંબર મેળવનાર નાનજીભાઇ મકવાણાએ જણાવ્યું કે, હું છેલ્લા પાંચ-છ વર્ષથી આ સ્પર્ધામાં ભાગ લઉ છું. ગયા વર્ષે પણ મારો પ્રથમ નંબર આવ્યો હતો અને આ વર્ષે પણ મારો પ્રથમ નંબર આવ્યો છે. ગયા વર્ષે મેં 12 લાડુ ખાધા હતા, જ્યારે આ વર્ષે મેં 09 લાડુ ખાધા છે. બહેનોમા પ્રથમ નંબર મેળવનાર પદ્મિનીબેન ગજેરાએ જણાવ્યું કે, આ સ્પર્ધાનું આયોજન છેલ્લા 18 વર્ષથી થાય છે. હું છેલ્લા 11 વર્ષથી આ સ્પર્ધામાં ભાગ લઉ છું અને મારો 11 વર્ષથી સતત પ્રથમ નંબર આવે છે. હું, મારી દીકરી અને એના બાળકોએ એમ અમારી ત્રણ પેઢીએ આ વખતે આ સ્પર્ધામાં ભાગ લીધો છે.

બાળકોમા પ્રથમ નંબર મેળવાનાર નક્ષ હિંડોચાએ જણાવ્યું કે, હું છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરૂૂ છું, મેં પ્રથમવાર આ સ્પર્ધામાં ભાગ લીધો હતો ને 4 લાડુ ખાઇને પ્રથમ નંબર મેળવ્યો છે.
લાડુ બનાવનાર દીપકભાઇ ત્રિવેદીએ જણાવ્યું કે, લાડુ ચોખ્ખા ઘીના બનાવવામાં આવે છે અને લાડુમાં કાજુ સહિતની બધી વસ્તુંઓ હોય છે. એક લાડુ અંદાજિત 100 ગ્રામ વજનનો હોય છે.

Exit mobile version