ચોટીલા પાસે 8 કિ.મી. લાંબો ટ્રાફિકજામ, અનેક વિદ્યાર્થીઓ પરીક્ષા ચૂક્યા

રાજકોટઅમદાવાદ નેશનલ હાઈવે પર ચોટીલાના બોરીયાનેસ નજીક છેલ્લા બે દિવસથી ટ્રાફિકની સમસ્યા વકરતી હોવાની ફરિયાદો વચ્ચે આજે ફરી અંદાજે આઠ કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો…

રાજકોટઅમદાવાદ નેશનલ હાઈવે પર ચોટીલાના બોરીયાનેસ નજીક છેલ્લા બે દિવસથી ટ્રાફિકની સમસ્યા વકરતી હોવાની ફરિયાદો વચ્ચે આજે ફરી અંદાજે આઠ કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો સર્જાતાં હજારો વાહનચાલકો ભારે હાલાકીનો ભોગ બન્યા હતા. હાઈવેની બાઉન્ડ્રી નજીક ચાલી રહેલી રિપેરિંગની કામગીરી અને એક જ સાઇડ પર બંને તરફનો વાહનવ્યવહાર ડાયવર્ટ કરવાના આયોજનને કારણે આ સ્થિતિ સર્જાતી હોવાની રજૂઆતો થઈ રહી છે.

વ્યસ્ત નેશનલ હાઈવે પર ટ્રાફિકનું યોગ્ય આયોજન અને વાહનોની અવરજવર સુચારુ રહે તે માટે જરૂૂરી વ્યવસ્થાના અભાવ અંગે હવે વાહનચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે. ખાસ કરીને ડાયવર્ઝન માટેનો કટ ઘણો દૂર રાખવામાં આવ્યો હોવાના કારણે વાહનચાલકોને લાંબું અંતર કાપવું પડતું હોવાની ફરિયાદો ઉઠી છે.
ટ્રાફિક જામની સૌથી ગંભીર અસર પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ પર પડી હતી. પરીક્ષાના સમયગાળા દરમિયાન સર્જાયેલા આ ટ્રાફિક જામમાં અનેક પરીક્ષાર્થીઓ અટવાયા હતા. પરિણામે કેટલાક પરીક્ષાર્થીઓ કારકિર્દીની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ પરીક્ષા આપી શક્યા ન હોવાની ફરિયાદ સામે આવી છે.

વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલી પરીક્ષાના સમયે હાઈવે પર આટલી લાંબી ટ્રાફિક સમસ્યા સર્જાય તે ગંભીર બાબત છે. આવા સંજોગોમાં રિપેરિંગની કામગીરી હાથ ધરતાં પહેલાં ટ્રાફિક વ્યવસ્થાનું આગોતરું આયોજન, યોગ્ય ડાયવર્ઝન અને જરૂૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવો અનિવાર્ય બની રહે છે.