ગુજરાત
રાજકોટ જિલ્લામાં રોગચાળો અટકાવવા 70 આરોગ્ય ટીમો મેદાને
રોજ 3.50 લાખ લોકોના આરોગ્યની ચકાસણી, ઘરે-ઘરે ફરી મચ્છર નિયંત્રણ માટે કામગીરી, 15 લાખથી વધુ લોકોની ચકાસણી કરાશે
જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ બાદ રાજકોટના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા જળવાય તેમજ રોગચાળો ન ફેલાય તે માટે આજથી આરોગ્ય વિભાગ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.જેમાં 700 આરોગ્ય ટીમો દ્વારા રાજકોટ જિલ્લાની રોજની 3.5 લાખની જનતાનું આરોગ્ય સર્વેલન્સ, જાહેર આરોગ્યની જાળવણી સબબ કલોરિનેશન કરવામાં આવી રહ્યું છે.
આ સઘન ઝુંબેશમાં પાંચ દિવસમાં સમગ્ર રાજકોટ જિલ્લાની 15 લાખથી વધુની જનતાને આવરી લેવામાં આવશે. જેમાં આરોગ્ય ટીમો દ્વારા ઘરે-ઘરે આરોગ્ય સર્વેલન્સ સાથે મચ્છરોના નિયંત્રણ માટે પાણી ભરાયેલ ખાબોચિયાં વગેરેમાં એબેટ નાખવાની કામગીરી, ડસ્ટિંગ તેમજ ઘરે-ઘરે ક્લોરીન ટેબલેટ વિતરણની કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા ચાર દિવસમાં થયેલ અતિવૃષ્ટિ બાદ પાણી ઓસરતા તુરત જ જાહેર આરોગ્યની સુખાકારી માટે આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
કેશડોલ્સની ચૂકવણી માટે જિલ્લામાં 1274 લોકોની યાદી તૈયાર, 498 લોકોને 60,200 રૂપિયાની સહાય ચૂકવાઈ
રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના માર્ગદર્શનમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્રે ખડેપગે રહીને બચાવ તથા રાહતની કામગીરી અસરકારક રીતે કરી છે. જેના કારણે જિલ્લામાં ચાર દિવસ સુધીના ભારે વરસાદ વચ્ચે પણ નહિવત નુકસાની થઈ છે. હવે વરસાદે વિરામ લીધો છે ત્યારે જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન મુજબ, વરસાદના અસરગ્રસ્ત લોકોને કેશડોલ્સની ચૂકવણી પણ શરૂૂ કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે, વરસાદની સ્થિતિ તેમજ કામગીરીની સમીક્ષા માટે આજે જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા વહીવટી તંત્ર-ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્રની વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ તંત્ર દ્વારા સ્થળાંતરિત કરાયેલા તમામ અસરગ્રસ્તોને કેશડોલ્સ ચૂકવવા સૂચના આપી હતી. રાજકોટ જિલ્લામાં કેશડોલ્સ ચૂકવવા અત્યાર સુધીમાં 1274 અસરગ્રસ્ત લોકોની યાદી તૈયાર કરાઈ છે. જેમાં રાજકોટ પૂર્વમાં 68 વ્યક્તિ, રાજકોટ પશ્ચિમમાં 60, રાજકોટ દક્ષિણમાં 64, રાજકોટ તાલુકામાં 26, કોટડા સાંગાણીમાં 177, લોધિકામાં 107, ગોંડલ શહેરમાં 561, જેતપુર શહેરમાં 40, જસદણમાં 151 મળીને 1274 લોકોનો સમાવેશ થાય છે. જેમાંથી લોધિકામાં આઠ અસરગ્રસ્તને સહાઈ ચૂકવાઈ ગઈ છે. જ્યારે અન્ય વિસ્તારોમાં પણ ચૂકવણી શરૂૂ કરી દેવામાં આવી છે. રાજકોટ ડિઝાસ્ટર મામલતદાર કચેરી તરફથી મળેલી વિગતો મુજબ, રાજકોટ જિલ્લામાં છેલ્લા બે દિવસમાં 498 લોકોને રૂૂ.60,200ની સહાય કેશડોલ્સ પેટે ચુકવવામાં આવી છે. વરસાદમાં નુકસાન પામેલી ઘરવખરીની સહાય માટે રાજકોટ શહેર અને જિલ્લાની કમિટી બની ગઈ છે અને ઘરવખરી નુકસાનીનો સર્વે આવતીકાલથી શરૂૂ થશે. જિલ્લામાં હાલ કુલ 112 પશુ મૃત્યુ પામ્યા છે. જેની સહાય ચૂકવાશે. જેમાંથી એક પશુની સહાય પેટે 37,500 રૂૂપિયા ચૂકવી પણ દેવામાં આવ્યા છે. આમ ભારે વરસાદ તથા પૂરની આફતનો જિલ્લાના ડિઝાસ્ટર તંત્રે પૂરા સંકલન, કુશળતા અને હિંમતથી સામનો કરીને રાહત અને બચાવ કામગીરી અસરકારક રીતે કરી છે, આ સાથે હવે પુન:સ્થાપનની કામગીરી પણ વેગવાન બનાવાઈ રહી છે.