બસના દરવાજામાં ગળું ફસાતા 7 વર્ષના બાળકનું મોત, ઘટનાના 15 મિનિટના CCTV ફૂટેજ ગાયબ!

  વડોદરામાંથી કરૂણ અને શંકાસ્પદ ઘટના સામે આવી છે. શહેરના સૂર્યનગર-તરસાલી બાયપાસથી ધન્યાવી તરફ જવાના રસ્તા પર આવેલા એક રિપેરિંગ કારખાનામાં ઊભેલી લક્ઝરી બસના ઓટોમેટિક…

 

વડોદરામાંથી કરૂણ અને શંકાસ્પદ ઘટના સામે આવી છે. શહેરના સૂર્યનગર-તરસાલી બાયપાસથી ધન્યાવી તરફ જવાના રસ્તા પર આવેલા એક રિપેરિંગ કારખાનામાં ઊભેલી લક્ઝરી બસના ઓટોમેટિક દરવાજામાં 7 વર્ષના બાળકનું ગળું ફસાઈ જતાં તેનું મોત નીપજ્યું છે.

મળતી માહિતી મુજબ, જે.જી. ટ્રાવેલ્સની બસ એસી રિપેરિંગના કામ માટે કારખાનામાં પાર્ક કરવામાં આવી હતી. આ દરમિયાન દિવ્યેશ બસ નજીક રમતો હતો. રમતા-રમતા અચાનક બસના ઓટોમેટિક અથવા હાઇડ્રોલિક દરવાજામાં તેનું ગળું ફસાઈ ગયું હતું. ઘટના બાદ બાળકને ગંભીર હાલતમાં તાત્કાલિક વડોદરાની સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો. દિવ્યેશના પિતા એસ.આર. એનર્જી કંપનીમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. માસૂમ બાળકના અચાનક મોતથી સમગ્ર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

જોકે, આ ઘટનામાં સૌથી ચોંકાવનારો પાસો CCTV ફૂટેજની તપાસ દરમિયાન સામે આવ્યો છે. પોલીસને ઘટનાસ્થળના CCTVમાં બાળકના મોત પહેલાના અને ત્યારબાદના દ્રશ્યો તો જોવા મળ્યા છે, પરંતુ બાળક જે 15 મિનિટના સમયગાળામાં દરવાજામાં ફસાયું તે સમયનું CCTV ફૂટેજ ગાયબ હોવાનું સામે આવ્યું છે.

આ 15 મિનિટના ફૂટેજ રહસ્યમય રીતે ગાયબ થતાં હવે અનેક સવાલો ઉભા થયા છે. બાળકનું મોત ખરેખર અકસ્માતે થયું કે પછી કોઈની બેદરકારી અથવા અન્ય કોઈ કારણ છે, તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

બનાવની જાણ થતાં કપુરાઈ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગાયબ થયેલા CCTV ફૂટેજ અંગે ટેકનિકલ ટીમની મદદ લેવામાં આવી રહી છે. સાથે જ CCTVમાં કોઈ છેડછાડ થઈ છે કે કેમ, બસનો દરવાજો આપમેળે બંધ થયો હતો કે કોઈએ કર્યો હતો, તે સહિતના તમામ પાસાઓની પોલીસે તપાસ શરૂ કરી છે.