મોરબી મહાપાલિકામાં 65.22% વોટિંગ, 177 ઉમેદવારોનું ભાવિ કાલે ખુલશે

મહિલાઓનું મતદાન પ્રમાણમાં ઓછુ, પરિણામોને લઈ રાજકીય પક્ષોમાં ભારે ઉત્સાહ મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદારોએ કાળઝાળ ગરમીમાં પણ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતુ અને સાંજ સુધીમાં…

મહિલાઓનું મતદાન પ્રમાણમાં ઓછુ, પરિણામોને લઈ રાજકીય પક્ષોમાં ભારે ઉત્સાહ

મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદારોએ કાળઝાળ ગરમીમાં પણ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતુ અને સાંજ સુધીમાં કુલ મળીને 65.62 ટકા જેટલું મતદાન મહાપાલિકા માટે કરવામાં આવ્યું છે જેમાં સૌથી વધુ વોર્ડ નં. 4 માં 70.71 ટકા અને જે સૌથી ઓછું વોર્ડ નં 7 માં 55.55 ટકા મતદાન નોંધાયું છે હાલમાં મતદારોએ મતદાન કરીને ઉમેદવારોના ભાવિ ઇવીએમ મશીનમાં કેદ કર્યા છે અને આગામી મંગળવારના રોજ ઇવીએમ મશીન ખોલીને મતદારોએ આપેલા મતના આંકડા જાહેર કરીને વિજેતાઓના નામ જાહેર કરવામાં આવે તેની આતુરતાથી રાહ જોવાઇ રહી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે રવિવારે સવારના સાત વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલી હતી ત્યારે મોરબી મહાનગરપાલિકાની વાત કરીએ તો 13 બોર્ડની 52 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી અને તેમાં સવારે 7 વાગ્યાથી મતદાન મથકો ઉપર મતદાનની પ્રક્રિયા શરૂૂ કરવામાં આવી હતી અને સાંજે 6 વાગ્યે મતદાન પૂર્ણ કરવામાં આવ્યું હતું. તે દરમ્યાન મતદારોની સંખ્યામાં વધઘટ જોવા મળતી હતી જોકે મહાપાલિકાની ચૂંટણી માટે કુલ મળીને 65.62 ટકા મતદાન નોંધાયું છે જેમાં 69.69 ટકા પુરુષ તથા 61.20 ટકા સ્ત્રી મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું હોવાનું અધિકારી પાસેથી જાણવા મળી ગયું છે.

મહાપાલિકાની આ પ્રથમ ચૂંટણીમાં પ્રચાર પ્રસાર માટે ઉમેદવારો માટે માત્ર 10 દિવસનો સમય હતો અને આ સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા 13 હજારથી લઈને વધુમાં વધુ 25500 કરતાં વધુ મતદારો સુધી ઉમેદવારોએ પહોંચવાનું હતું પરંતુ ઓછો સમય ગાળો હોવાના કારણે અનેક વિસ્તારોમાં મતદારો સુધી ઉમેદવારો પહોંચી શક્યા નથી આટલું જ નહીં પરંતુ મતદારો સુધી તેઓની મતદાન માટેની જરૂૂરી સ્લીપો પણ પહોંચાડવામાં આવી ન હતી જેથી કેટલાક મતદારો મતદાન કરવા માટે મતદાન મથક સુધી આવ્યા તેમ છતાં પણ હાલાકીનો સામનો કરીને મતદાન કર્યા વગર જ પાછા ગયા હોય તેવો ઘાટ પણ કેટલીક જગ્યાએ જોવા મળ્યો હતો.

મોરબી મહાપાલિકાની આમ તો 13 વોર્ડ માટેની ચૂંટણી હતી પરંતુ સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન મોરબીના વોર્ડ નં. 1, 3, 7, 8, 9, 10 અને 11 વધુ ચર્ચાનો વિષય બન્યા હતા જેથી કરીને આ વોર્ડના શું પરિણામ આવે છે તે જોવા માટે થઈને લોકોમાં આતુરતા જોવા મળી રહે છે હાલમાં ઇવીએમ મશીનની અંદર મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉભેલા 177 ઉમેદવારોના ભાવિ કેદ થઈ ગયા છે અને આગામી મંગળવારે મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ પોલિટેકનિક કોલેજ ખાતે મોરબી મહાપાલિકાના 1 થી 13 બોર્ડ માટેની 52 એ 52 બેઠકોની મતગણતરી શરૂૂ કરવામાં આવશે અને ગણતરીની કલાકમાં વિજેતા ઉમેદવારોના નામ જાહેર થઈ જશે.

મોરબી મહાનગરપાલિકા ના વોર્ડ નંબર 10મા વજેપર વાડીના હિરૂબેન હીરાભાઈ પરમાર એ 110 વર્ષ ની ઉમરે મતદાન કરી લોકશાહી પર્વને વધાવી લોકોને મતદાન કરવા નવો રાહ ચીંધીયો છે.

મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે વ્યવસ્થા
મોરબી મહાપાલિકાની ચૂંટણી માટે જે મતદાન કરવામાં આવ્યું છે તેની મતગણતરી કઈ રીતે કરવામાં આવશે તેની માહિતી માટે અધિકારીનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે વોર્ડ નં. 1‘ થી 4 માટે મત ગણતરીમાં કુલ નવ ટેબલ રાખવામાં આવશે જેમાં આઠ ટેબલ ઉપર ઇવીએમમાં પડેલા મતોની ગણતરી થશે અને એક ટેબલ ઉપર પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે. અને નવ રાઉન્ડના અંતે 1 થી 4 વોર્ડનું પરિણામ જાહેર થશે. જ્યારે વોર્ડ નં. 5 થી 9 માટે કુલ મળીને 10 જેટલા ટેબલ રાખવામાં આવશે અને 2 રાઉન્ડના અંતે 1 વોર્ડની મત ગણતરી પૂર્ણ થશે આમ 20 રાઉન્ડના અંતે આ પાંચ વોર્ડના વિજેતા ઉમેદવારોના નામ જાહેર થશે તો વોર્ડ નં. 10 થી 13 ની મત ગણતરી માટે 8 ટેબલ ઉપર મત ગણતરી કરાશે અને કુલ મળીને નવ રાઉન્ડના અંતે આ 4 વોર્ડના વિજેતા ઉમેદવારોના નામ જાહેર થઈ જશે.

જિલ્લા પંચાયત, પાલિકા-5 તાલુકા પંચાયતમાં પણ મતદાન
મોરબી જીલ્લાની સ્થાનિક સ્વરાજ્ય ચુંટણીમાં મતદાન પૂર્ણ થયું છે ત્યારે મોરબી જીલ્લા પંચાયતમ પાંચ તાલુકા પંચાયત અને 3 પાલિકા માટે મતદારો દ્વારા ઉત્સાહ પૂર્વક મતદાન કરવામાં આવ્યું છે જો કે, મતદારોનો મિજાજ કોના તરફી છે તે હાલમાં કોઈ કહી શકે તેમ નથી. મોરબી જીલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં મોરબી જિલ્લા પંચાયત અને પાંચ તાલુકા પંચાયત અને ત્રણ પાલિકાની ચૂંટણીના મતદાનના આંકડા ઉપર નજર કરીએ તો મોરબી જીલ્લા પંચાયતમાં 71.09 ટકા, વાંકાનેર નગરપાલિકામાં 58.56 ટકા, માળિયા (મી.) નગરપાલિકામાં 71.92 ટકા અને ટંકારા નગરપાલિકામાં 81.27 ટકા મતદાન થાયુ છે જયારે માળિયા તાલુકા પંચાયતમાં 69.11 ટકા, મોરબી તાલુકા પંચાયતમાં 67.38 ટકા, હળવદ તાલુકા પંચાયતમાં 66.81 ટકા, ટંકારા તાલુકા પંચાયતમાં 73.16 ટકા અને વાંકાનેર તાલુકા પંચાયતમાં 77.81 ટકા મતદાન નોંધાયું છે.