હિંમતનગર નજીક બસ-કાર વચ્ચે ભયંકર અકસ્માત 6નાં મોત, 8 ગંભીર

હાઈ-વે પર ડિવાઈડર વચ્ચે પાડવામાં આવેલા ગેરકાયદેસર કટે અકસ્માત સર્જ્યાની આશંકા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલા જસવંતગઢ પાટિયા પાસે આજે વહેલી સવારે કાળમુખી ખાનગી લક્ઝરી…

હાઈ-વે પર ડિવાઈડર વચ્ચે પાડવામાં આવેલા ગેરકાયદેસર કટે અકસ્માત સર્જ્યાની આશંકા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલા જસવંતગઢ પાટિયા પાસે આજે વહેલી સવારે કાળમુખી ખાનગી લક્ઝરી બસે એક કારને પાછળથી જોરદાર ટક્કર મારતા મોતનું તાંડવ સર્જાયું હતું. શામળાજી-અમદાવાદ નેશનલ હાઈવે પર બનેલી આ ગમખ્વાર દુર્ઘટનામાં છ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય મુસાફરોને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, શામળાજી તરફથી અમદાવાદ જઈ રહેલી એક કારને પાછળથી પુરપાટ ઝડપે આવતી ખાનગી લક્ઝરી બસે ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે કારનો પાછળનો અને ઉપરનો ભાગ સાવ દબાઈ ગયો હતો અને કાર જાણે પડીકુ બની ગઈ હતી. કારમાં સવાર મુસાફરો લોહીલુહાણ હાલતમાં અંદર જ ફસાઈ ગયા હતા. અકસ્માત બાદ હાઈવે પર ચીસાચીસ અને રૂૂદનના દ્રશ્યો સર્જાયા હતા.

પોલીસ અને હાઈવે ઓથોરિટીની પ્રાથમિક તપાસમાં એક ચોંકાવનારી વિગત સામે આવી છે. નેશનલ હાઈવે પર ડિવાઈડર વચ્ચે પાડવામાં આવેલા ગેરકાયદેસર કટ આ અકસ્માતનું મુખ્ય કારણ હોવાની આશંકા છે. કાર ચાલક જ્યારે હાઈવે પરના જોખમી ઊંચા કટ પરથી વાહન પસાર કરવા અથવા વળાંક લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે પાછળથી આવતી બસના ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા કારને કચડી નાખી હતી. શોર્ટકટ લેવાની વૃત્તિ અને હાઈવેના નિયમોના ઉલ્લંઘને છ નિર્દોષ જિંદગીઓનો ભોગ લીધો છે.

ઘટનાની જાણ થતાં જ ગાંભોઈ પોલીસનો કાફલો અને 108 એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. કારમાં ફસાયેલા મૃતદેહો અને ઈજાગ્રસ્તોને બહાર કાઢવા માટે સ્થાનિક લોકો અને પોલીસે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા છ વ્યક્તિઓને તાત્કાલિક હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોની ટીમ તેમની સારવાર કરી રહી છે.

હાઈવે પર ટ્રાફિકજામ
અકસ્માતને પગલે નેશનલ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક વ્યવહાર ખોરવાયો હતો. પોલીસે ક્રેન બોલાવીને અકસ્માતગ્રસ્ત વાહનોને માર્ગ પરથી હટાવ્યા હતા અને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી બસ ડ્રાઈવર વિરૂદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ સમગ્ર સાબરકાંઠા પંથકમાં અરેરાટી વ્યાપી દીધી છે. હાઈવે પરના જોખમી ગેરકાયદે કટ સામે તંત્ર ક્યારે કડક કાર્યવાહી કરશે તેવો સવાલ પણ સ્થાનિકોમાં ઉઠી રહ્યો છે.