લાલપુર તાલુકાના બાબરીયા ગામે ખનીજ ચોરી 5ર એસ.ઓ.જી.નો દરોડો

પથ્થર કાઢવાના ત્રણ મશીન કબ્જે; અંદાજે રૂા. 8 લાખનો દંડ વસુલવાની કાર્યવાહી હાથ ધરાઈ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના બાબરીયા ગામ ખાતે ગેરકાયદેસર રીતે પથ્થરનું ખનન…

પથ્થર કાઢવાના ત્રણ મશીન કબ્જે; અંદાજે રૂા. 8 લાખનો દંડ વસુલવાની કાર્યવાહી હાથ ધરાઈ

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના બાબરીયા ગામ ખાતે ગેરકાયદેસર રીતે પથ્થરનું ખનન કરતા ઈસમ સામે જામનગર એસ.ઓ.જી. દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કાર્યવાહી દરમિયાન પથ્થર કાઢવાના ત્રણ મશીન કબ્જે કરવામાં આવ્યા છે તેમજ ગેરકાયદેસર ખોદકામ બદલ અંદાજિત રૂૂા. 8,00,000નો દંડ વસુલ કરવાની પ્રક્રિયા શરૂૂ કરવામાં આવી છે.

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય દ્વારા જામનગર જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરી અટકાવવા માટે એસ.ઓ.જી. દ્વારા ખાસ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એમ. ઝેર અને એ.વી. ખેરના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે સ્ટાફના બળભદ્રસિંહ જાડેજા, મયુરરાજસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા તથા તોસીફભાઈ તાયાણીને બાતમી મળી હતી કે બાબરીયા ગામે નુરમામદ મુંગર અલારખા સમા દ્વારા પથ્થરની લીઝ મંજૂર થયેલી જગ્યાની બહાર ગેરકાયદેસર ખોદકામ કરી ખનીજ ચોરી કરવામાં આવી રહી છે.

બાતમીના આધારે જામનગર ખાણ ખનીજ વિભાગ તથા લાલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી તપાસ કરતાં આરોપી દ્વારા મંજૂર લીઝ વિસ્તાર સિવાયની જગ્યામાંથી ગેરકાયદેસર રીતે પથ્થરો કાઢવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું.

આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પથ્થર કાઢવાના ત્રણ મશીન (ચકરડી) કુલ રૂૂા. 75,000 કિંમતના કબ્જે લેવામાં આવ્યા હતા. સાથે જ મંજૂર વિસ્તારની બહાર કેટલું ગેરકાયદેસર ખોદકામ કરવામાં આવ્યું છે તેની માપણી શરૂૂ કરવામાં આવી છે. પ્રાથમિક અંદાજ મુજબ આશરે રૂૂા. 8,00,000 નો દંડ વસુલ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.