8 અતિસંવેદનશીલ બુથ ઉપર વિશેષ બંદોબસ્ત, ઘર્ષણ ટાળવા SRP સહિત 2500 જવાનો તૈનાત
રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને સરકારી તંત્ર અને પોલીસ વિભાગ હરકતમાં આવી ગયું છે. લોકશાહીના આ પર્વમાં શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થાય અને ક્યાંય પણ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન કથળે તે માટે વહીવટીતંત્ર દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને શહેરના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારો પર વિશેષ નજર રાખવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા કરવામાં આવેલા સર્વે અને વિશ્ર્લેષણ બાદ, વર્ષ 2021ની સરખામણીમાં આ વર્ષે 500 બુથમાં વધારો નોધાયો છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં કુલ 506 બુથને સંવેદનશીલ તરીકે અને 8 મથકોને અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. આ મથકો પર મતદાનના દિવસે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે.
શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન એકદમ ભયમુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે શહેર પોલીસે કમર કસી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને એડિશનલ સીપી ચૈતન્ય મંડલિકના સીધા માર્ગદર્શન હેઠળ માથાભારે તત્ત્વોને ભોંય ભેગા કરવા માટે પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસના એક્શન પ્લાન મુજબ, શહેરના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન ગ્રૂપ પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરવામાં આવશે. મતદાન મથકો આસપાસ બિનજરૂૂરી ટોળાં કોઈ પણ સંજોગોમાં એકઠા થવા દેવાશે નહીં. જો કોઈ પણ જગ્યાએ ઘર્ષણ સર્જાય કે શાંતિ ડહોળવાનો પ્રયાસ થાય, તો પોલીસની વિશેષ ટીમો ગણતરીની મિનિટોમાં જ ઘટનાસ્થળે પહોંચી જશે અને કાયદાનો ભંગ કરનાર ચમરબંધીને પણ છોડશે નહીં.
વર્ષ 2021ની ચૂંટણીની સરખામણીએ આ વખતે અતિ સંવેદનશીલ મથકોની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે, જે તંત્રની સતર્કતા દર્શાવે છે. મતદાનના દિવસે ઉમેદવારોના સમર્થકો કે જુદા જુદા જૂથો વચ્ચે ઘર્ષણ ટાળવા માટે પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા સંયુક્ત રીતે એક સર્વગ્રાહી એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્લાન અંતર્ગત તમામ સંવેદનશીલ બુથ પર સીસીટીવી કેમેરા અને વીડિયોગ્રાફીની વ્યવસ્થા કરવામાં આવશે. પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે. આ વખતની ચુંટણીમાં ઉમેદવારોના નામ જાહેર થયા બાદ જે તે વિસ્તારની રાજકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થાની પુન: સમીક્ષા કરવામાં આવી છે. આ વર્ષની ચૂંટણીમાં નોંધપાત્ર ફેરફાર મતદાન મથકોની સંખ્યામાં જોવા મળ્યો છે. ગત વર્ષ 2021ની મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 991 બુથ હતા. જોકે, આ વખતે મતદારોની સંખ્યા અને ભૌગોલિક વિસ્તારને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મતદાન મથકોની સંખ્યામાં મોટો વધારો કરવામાં આવ્યો છે.
તાજેતરના આંકડા મુજબ, ગત વખતની સરખામણીએ આ વખતે 500 જેટલા નવા બુથનો વધારો થયો છે. આ વધારાનો મુખ્ય ઉદ્દેશ્ય મતદારોને સરળતા રહે અને સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ ભીડને નિયંત્રિત કરી શકાય તે છે. વધુમાં રાજકોટમાં 23 નવા મતદાન મથકો પણ ઉમેરવામાં આવ્યા છે. જો ગત ચૂંટણીના આંકડાઓ પર નજર કરીએ તો, ત્યારે કુલ 991 બુથમાંથી 506 સંવેદનશીલ અને 8 અતિ સંવેદનશીલ મથકો હતા. આ વખતે સંવેદનશીલ મથકોની સંખ્યા 506 જ રહી છે, પરંતુ અતિ સંવેદનશીલ મથકોની સંખ્યા 11 થી વધીને 19 થઈ છે. આ સ્પષ્ટ કરે છે કે ચૂંટણી પંચ અને સ્થાનિક તંત્ર સુરક્ષાના મામલે કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતું નથી.
ચૂંટણી મેદાનમાં ઉતરનારા ઉમેદવારોના નામ જાહેર થયા બાદ હવે વહીવટીતંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વોર્ડ વાઈઝ પરિસ્થિતિનું આંકલન કરીને જે તે વિસ્તારના સંવેદનશીલ મથકોની યાદી અપડેટ કરવામાં આવી છે. પોલીસ કમિશનર અને કલેક્ટર દ્વારા સતત બેઠકો યોજીને સુરક્ષા વ્યવસ્થાની કડક અમલવારી માટે સૂચનાઓ આપવામાં આવી છે. રાજકોટના નાગરિકો નિર્ભય બનીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તંત્ર સજ્જ છે, અને લોખંડી બંદોબસ્ત વચ્ચે આ ચૂંટણી યોજાશે તે નિશ્ચિત છે.
શહેર-જિલ્લામાં 814 સંવેદનશીલ મતદાન મથકો
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે સંવેદનશીલ વિસ્તારોની યાદી જાહેર કરવામાં આવી છે. કલેક્ટરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન સંપન્ન થાય તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છેૈ. શહેર-જિલ્લામાં કુલ 814 સંવેદનશીલ અને 195 અતિ સંવેદનશીલ મથકો જાહેર કરાયા છે. કલેક્ટરે જણાવ્યું હતું કે, સંવેદનશીલ તમામ મથકો પર વધારાનો પોલીસ બંદોબસ્ત અને જરૂર જણાયે વીડિયોગ્રાફીની પણ વ્યવસ્થા કરવામાં આવશે. કોર્પોરેશન, નગરપાલિકા અને પંચાયત મળીને કુલ 2255 મતદાન મથકો પર પ્રક્રિયા હાથ ધરાશે. તમામ મથકોની 100% ભૌતિક ચકાસણી પૂર્ણ કરી લેવામાં આવી છે. ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને દરેક મથક પર પીવાનું પાણી, છાંયડો, રેમ્પ અને પ્રાથમિક સારવારની કિટ સુનિશ્ચિત કરવામાં આવી છે. ત્યાર સુધીમાં 12 જેટલી ફરિયાદો આચાર સહિત ફરિયાદો મળી છે .જેમાં મહાનગરપાલિકામાં 9, તાલુકા પંચાયતમાં 2 અને ગોંડલમાં 1 નોંધાઈ છે, જેનો રિપોર્ટ રાજ્ય ચૂંટણી પંચને મોકલી આપવામાં આવ્યો છે.
