Site icon Gujarat Mirror

નર્સિંગની નોકરીની લાલચ આપી 5 લોકો સાથે 34.20 લાખની ઠગાઇ

શીતલ પાર્ક પાસેની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતા સ્ટાફ નર્સને ઇન્ચાર્જે ફસાવ્યો: મિત્ર સહિત બન્નેની શોધખોળ

પરીક્ષાના આગલા દીવસે પેપર મળી જશે કહી પૈસા પડાવ્યા, મેરીટમાં નામ ન આવતા ભાંડો ફુટયો

રાજકોટ શહેરમા તાજેતરમા જ નર્સીંગ સ્ટાફની ભરતી આવી હતી આ ભરતીમા પાસ કરાવી દેવાની અને નોકરી અપાવી દેવાની લાલચ આપી એક યુવતી સહીત પાંચ લોકો પાસેથી પૈસા પડાવી રૂ. 34.ર0 લાખ રૂપીયા પડાવી લેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે અને આ મામલે પોલીસે શિતલ પાર્ક પાસે આવેલા પલેકસસ હોસ્પીટલનાં ઇન્ચાર્જ અને તેમનાં મીત્ર સાગર દાફડા વિરુધ્ધ છેતરપીંડી કર્યાની ફરીયાદ નોંધાવી છે.

બનાવની વધુ વિગતો મુજબ રાજકોટમાં લક્ષ્મીનગર સોસાયટીમા આવેલ આરએમસી ક્વાર્ટરમાં રહેતાં મૂળ કોડીનારના આદપોકાર ગામના વતની દેવશીભાઈ જગમાલભાઈ વંશ (ઉ.વ.25) નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સંદીપ લોખીલ (રહે. એઇમ્સ હોસ્પિટલ પાસે, જામનગર રોડ) અને સાગર દાફડાનું નામ આપતાં ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી. વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તે શીતલ પાર્ક પાસે આવેલ પ્લેક્સસ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તરીકે નોકરી કરે છે, તેમની સાથે આરોપી લોખીલ સંદીપ પણ નોકરી કરે છે, જે નર્સ સ્ટાફના ઇન્ચાર્જ તરીકે ફરજ બચાવે છે.

ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં આરોપીએ તેને ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવનાર સ્ટાફ નર્સની ભરતીમાં પાસ થવું હોય તો તેમની પાસે કોન્ટેક્ટ છે. જેથી યુવાનને સરકારી નોકરી લેવાની ઈચ્છા હોવાથી તેને નોકરીમાં સેટીંગ કરી આપવાં હા પાડી હતી. ત્યારે આરોપી સંદીપે જણાવ્યું હતું કે, સ્ટાફ નર્સની પરીક્ષા તા.09-02-2025 ના લેવાનાર છે, જેમના આગલા દિવસે તમને પેપર મળી જશે, જે પેપર 200 માર્કસનું હશે તેમાંથી તમને 100 થી 150 માર્ક્સના જવાબ આપવામાં આવશે. જે માટે તમારે રૂૂ.6 લાખ આપવાના રહેશે તેવી વાત કરી હતી.

જેથી ફરીયાદી અને તેના મિત્રએ આરોપીના વાતમાં આવી બંનેના રૂૂ.12 લાખ આપ્યાં હતાં. જે બાદ પરીક્ષાની તારીખ આવતાં કોઈ પેપર આવ્યાં ન હતાં અને પરીક્ષા આપ્યા બાદ તેઓનું મેરીટ લિસ્ટમાં નામ પણ આવ્યું ન હતું. જેથી આરોપીનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે મેં રાજકોટના સાગર દાફડા મારફત તમારું સેટિંગ કરાવ્યું હતું. તમારા રૂૂપિયા તેને આપેલ છે, જેમના તરફથી જવાબ આપશે તે બાદ હું તમને તમારા રૂૂપિયા પરત આપીશ. પરંતુ આજ સુધી આરોપીઓએ રૂૂપિયા પરતના આપી છેતરપિંડી આચરી હતી.

જે બાદ વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે, ફરિયાદી બંને મિત્રો સિવાય હરેશ કમાભાઇ ગમારા પાસેથી રૂૂપિયા 8.10 લાખ, મેલાભાઈ જગાભાઈ ચાવડા પાસેથી પણ રૂૂપિયા 8.10 લાખ તેમજ વર્ષાબેન મનસુખભાઈ રાઠોડ પાસેથી રૂૂ.6 લાખ મેળવી કુલ રૂૂપિયા 34.20 લાખની છેતરપિંડી આચરી હતી. આ છેતરપીંડીની ઘટના મામલે ગાંધીગ્રામનાં પીઆઇ મેઘાણીની રાહબરીમા પીએસઆઇ જાડેજા સહીતનાં સ્ટાફે આરોપી સંદીપ અને તેમનાં મીત્રો સાગર દાફડાની શોધખોળ શરુ કરી છે તેમજ આ ઘટનામા હજુ કેટલા લોકો ભોગ બન્યા છે એ અંગે પણ તપાસ કરવામા આવી રહી છે.

Exit mobile version