ગુજરાત
રાજકોટમાં વધુ 5 લોકો હાર્ટએટેક સામે જિંદગીનો જંગ હાર્યા
રાજકોટ સહીત રાજયભરમાં હૃદય રોગના હુમલાના કારણે અનેક માનવ જીંદગી કાળના ખપ્પરમાં હોમાય રહી છે. ત્યારે વધુ પાંચ લોકોના હૃદય રોગના હુમલાથી મોત નિપજયા હોવાનુ સામે આવ્યુ છે. જેમાં જેમાં બહેનના ઘરે આંટો મારવા આવેલા યુવાન, બે પ્રૌઢ અને બે વૃદ્ધ હાર્ટ એટેક સામે જિંદગીનો જંગ હારી જતા ત્રણેય પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં કીડવાઈનગર મેઇન રોડ ઉપર સોમનાથ સોસાયટીમાં રહેતા વલ્લભ વિજયભાઈ મશરૂૂ નામનો 33 વર્ષનો યુવાન આજીડેમ ચોકડી પાસે આવેલ માનસરોવરમાં રહેતી બહેન જાગૃતીબેન વિપુલભાઈ છગના ઘરે આટો મારવા ગયો હતો. ત્યારે સાંજના સાડા ચારેક વાગ્યાના અરસામાં ઢળી પડ્યો હતો. યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવાનનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મૃતક યુવાન બે ભાઈ એક બહેનમાં મોટો અને અપરિણીત હતો. બહેનના ઘરે આંટો મારવા ગયો હતો ત્યારે હ્રદયરોગનો હુમલો ભરખી ગયો હોવાનું જાણવા મળ્યું છે.
બીજા બનાવમાં ચુનારાવાડ વિસ્તારમાં રહેતા વિજયભાઈ બાબુભાઈ પરમાર નામના 44 વર્ષના પ્રૌઢ સવારના નવેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા. ત્યારે હૃદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. પ્રાથમિક પૂછપરછમાં વિજયભાઈ પરમાર ચાર ભાઈમાં મોટા હતા અને તેમની સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
ત્રીજા બનાવમાં ભીલવાસમાં રહેતા અનિલભાઈ લક્ષ્મણભાઈ ગોહેલ નામના 45 વર્ષના પ્રૌઢ પોતાના ઘરે હતા. ત્યારે હદયરોગનો હુમલો આવતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક અનિલભાઈ ગોહેલ પાંચ ભાઈ ત્રણ બહેનમાં નાના અને અપરિણીત હતા. અનિલભાઈ ગોહેલ પોતાના ઘરે બાથરૂૂમમાં હતા ત્યારે હાર્ટ એટેક આવતા ઢળી પડ્યા બાદ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
ચોથા બનાવમાં મવડી વિસ્તારમાં પાવર હાઉસ મફતીયાપરા વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતા ગાંડાભાઈ અમથાભાઈ વઢીયાર નામના 64 વર્ષના વૃદ્ધ રાત્રીના નવેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા. ત્યારે હૃદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. વૃદ્ધને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક વૃદ્ધને સંતાનમાં ચાર પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત પાંચમા બનાવમાં રાજકોટમાં રૈયાગામ વિસ્તારમાં આવેલ બાપા સીતારામ ચોક પાસે રામેશ્વર પાર્કમાં રહેતા સુરેશભાઈ ચંદ્રકાન્તભાઈ અઢીયા નામના 62 વર્ષના વૃદ્ધ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા. ત્યારે તેમને હાર્ટ એટેક આવતા સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક વૃદ્ધ ત્રણ ભાઈ એક બહેનમાં મોટા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.