મચ્છુ હોનારતને 47 વર્ષ પૂરા, દાયકાઓ જૂના દર્દ ફરી તાજા થયા

11 ઓગસ્ટ 1979ના રોજ સર્જાયેલી ગોઝારી મચ્છુ જળ હોનારતને આજે 47 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ તૂટતાં સર્જાયેલી આ અકલ્પનીય…

11 ઓગસ્ટ 1979ના રોજ સર્જાયેલી ગોઝારી મચ્છુ જળ હોનારતને આજે 47 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ તૂટતાં સર્જાયેલી આ અકલ્પનીય તારાજીની વરસીએ આજે સમગ્ર મોરબીવાસીઓ તે કાળમુખા દિવસને યાદ કરીને ભાવુક બની ગયા છે. હોનારતને દાયકાઓ વીતી ગયા હોવા છતાં, તેના દર્દનાક દ્રશ્યો આજે પણ લોકોના માનસપટ પર તાજા છે.

અગિયાર ઓગસ્ટ 1979ના એ ગોઝારા દિવસે સતત ત્રણ દિવસથી વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે ઉપરવાસમાંથી પાણીની વિપુલ આવક થઈ રહી હતી. મચ્છુ-2 ડેમમાં પાણીની સપાટી ભયજનક રીતે વધતાં આખરે બપોરે ડેમની દીવાલ તૂટી પડી હતી. બપોરે આશરે 3:30 વાગ્યે પાણીનો ધસમસતો પ્રવાહ મોરબી શહેરમાં પ્રવેશી ગયો હતો અને જોતજોતામાં રળિયામણી મયુરનગરીને મોતના તાંડવમાં ધકેલી દીધી હતી.
માત્ર બે જ કલાકના ટૂંકા ગાળામાં પાણીના આકરા પ્રવાહે આખા શહેરને વેરવિખેર કરી નાખ્યું હતું. લોકો જીવ બચાવવા માટે આમતેમ ભાગદોડ કરવા લાગ્યા હતા, પરંતુ ચારેય તરફ જળબંબાકાર હોવાથી બચવાનો કોઈ માર્ગ રહ્યો નહોતો. બહુમાળી ઈમારતો અને મકાનોની છત પર આશરો લેનારા નાગરિકોની સામે જ ઈમારતો જમીનદોસ્ત થઈ ગઈ હતી. હજારો લોકો કઈં પણ સમજે કે સંભાળે તે પહેલાં જ પાણીના વહેણમાં તણાઈ ગયા હતા અને કુદરતના કોપ સામે માનવી લાચાર બની ગયો હતો.

આ હોનારતમાં માનવજિંદગીની સાથે અબોલ પશુઓની પણ ભારે ખુવારી થઈ હતી. ગલીઓ, બજારો અને મકાનોના ધાબા સ્મશાનભૂમિમાં ફેરવાઈ ગયા હતા. હજારો પશુઓ અને માનવોના મૃતદેહો કેટલાય દિવસો સુધી શહેરના મુખ્ય માર્ગો પર વિખરાયેલા પડ્યા રહ્યા હતા. દર વર્ષે 11 ઓગસ્ટે મોરબીવાસીઓ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા નિર્દોષ નાગરિકોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.

આજે 47મી વરસી નિમિત્તે પરંપરાગત રીતે નગરપાલિકા કચેરી ખાતેથી એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી નગર દરવાજા અને પરા બજાર જેવા મુખ્ય વિસ્તારોમાં ફરીને મણી મંદિર ખાતે આવેલ સ્મારકે પૂર્ણ થશે. આ મૌન રેલીમાં સંસદસભ્ય, ધારાસભ્ય, સરકારી અધિકારીઓ, સામાજિક આગેવાનો, નાગરિકો અને હોનારતમાં પોતાના સ્વજનો ગુમાવનારા પરિવારજનો જોડાઈને દિવંગતોની આત્માની શાંતિ માટે પ્રાર્થના સાથે શ્રદ્ધાસુમન અર્પણ કરશે.