શહેર પોલીસ તંત્રમાં વહીવટી પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારવાના હેતુથી પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા છેલ્લા 3 વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા એએસઆઈથી લઇ પોલીસ કોન્સ્ટેબલ સુધીના સ્ટાફની બદલીના હુકમો કરવામાં આવી રહ્યા છે. બે મહિનાથી શહેર પોલીસ બેડામાં શરૂૂ થયેલ આ બદલીનો દોર યથાવત રાખવામાં આવ્યો છે. એક જ સ્થળે 3 વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવતા હોય તેવા પોલીસ કર્મચારીઓની બદલી કરવાના લેવાયેલા નીતિગત નિર્ણયના ભાગરૂૂપે વધુ 47 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીનો આઠમો આદેશ કરવામાં આવ્યો છે, જેમાં ક્રાઈમ બ્રાંચ, પીસીબી, સાયબર ક્રાઈમ, ટ્રાફિક શાખા તેમજ અલગ અલગ પોલીસ મથકમાં ફરજ બજાવતા 47 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે, છેલ્લા 2 મહિનામાં એએસઆઈ થી લઈને પોલીસ કોન્સ્ટેબલ રેન્કના કુલ 226 કર્મચારીઓની બદલી કરવામાં આવી ચૂકી છે.
રાજકોટ શહેર પોલીસમાં અલગ-અલગ પોલીસ સ્ટેશન અને અલગ અલગ મહત્વની બ્રાંચ તેમજ શાખામાં એક જગ્યાએ ત્રણ કે તેથી વધુ વર્ષ સુધી ફરજ બજાવતા હોય તેવા પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધી આઠ લીથા જાહેર કરવામાં આવ્યા. તેમાં 226 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. પ્રથમ લીથો 23 જુલાઈના રોજ જાહેર કરવામાં આવ્યો હતો, તેમાં 49 પોલીસ કર્મીને પોલીસ હેડ ક્વાર્ટરમાં મુકવામાં આવ્યા હતા. આ પછી બીજો અને ત્રીજો લીથો 28 જુલાઈના રોજ જાહેર કરવામાં આવ્યો હતો જેમાં 84 અને 4 મળી કુલ 88 પોલીસ કર્મીની બદલી કરવામાં આવી હતી. આ પછી 04 ઑગસ્ટ, 2026ના રોજ ચોથો લીથો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કુલ 32 પોલીસ કર્મીની આંતરિક બદલી કરવામાં આવી હતી.
10 ઑગસ્ટ 2026ના રોજ વધુ 42 પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી હતી અને આજે 11 ઑગસ્ટે અલગ-અલગ 3 લીથામાં 47 કર્મીઓની બદલી કરવામાં આવી છે, જેમાં કેટલાક જુના હુકમોમાં સમાવિષ્ટને ફરી અલગ પોસ્ટિંગ આપ્યું હોવાનું પણ સામે આવ્યું છે. શહેર પોલીસ વિભાગમાં સળંગ એક જ સ્થળે લાંબા સમયથી જમાવટો કરીને બેઠેલા કર્મચારીઓની બદલી કરવા માટે કમિશનર દ્વારા તબક્કાવાર બદલી કરવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત ગઈ કાલે સાંજે બદલીનો આઠમો આદેશ જાહેર કરાયો હતો, જેમાં ક્રાઈમ બ્રાંચ, પીસીબી, સાયબર ક્રાઈમ, ટ્રાફિક શાખા અને પોલીસ હેડક્વાર્ટર તેમજ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 47 કર્મચારીની બદલી કરવામાં આવી છે.
