ગોંડલ-ધ્રાંગધ્રા-વાંકાનેર-અમરેલી-મહુવાના 43 નગરસેવકોએ ચૂંટણી ખર્ચના હિસાબો રજૂ નહીં કરતા ગેરલાયક ઠરવાનું જોખમ

ગુજરાતમાં પાલિકા પંચાયતોની ચૂંટણીઓ પૂર્ણ થઈ ગયા બાદ ચૂંટાઈ ગયેલા 168 જેટલા પ્રતિનિધિઓએ ચૂંટણી ખર્ચનો હિસાબ આપવામાં અખાડા કરતાં ચૂંટણી પંચ દ્વારા નોટિસ ફટકારવામાં આવી…

ગુજરાતમાં પાલિકા પંચાયતોની ચૂંટણીઓ પૂર્ણ થઈ ગયા બાદ ચૂંટાઈ ગયેલા 168 જેટલા પ્રતિનિધિઓએ ચૂંટણી ખર્ચનો હિસાબ આપવામાં અખાડા કરતાં ચૂંટણી પંચ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. સાથોસાથ ઉમેદવારો પાસેથી હિસાબોની ઉઘરાણી કરવામાં નબળા પુરવાર થયેલા 18 ચૂંટણી અધિકારીઓ સામે પણ કાર્યવાહીની માંગણી કરાઈ છે.

નગરપાલિકાઓના સદસ્યોમાં ગોંડલ નગરપાલિકાના 19, ધ્રાંગધ્રાના 11, વાંકાનેરના પાંચ, અમરેલીના 3, મહુવાના 4 તથા કેશોદના એક મળી કુલ 43 સભ્યોનો સમાવેશ થાય છે.

ગોંડલમાં હિસાબો રજુ નહીં કરનાર મોટાભાગના સભ્યો પક્ષ પલ્ટો કરનારા છે. રાજ્યમાં કુલ 99 પ્રતિનિધિઓએ એફિડેવિટ કે ખર્ચ રજિસ્ટર જમા કરાવ્યું નથી જ્યારે બાવન કોર્પોરેટરો-સભ્યોએ માત્ર એફિડેવિટ રજુ કર્યુ છે પણ હિસાબ આપ્યો નથી અને 17એ માત્ર ખર્ચ પત્રક રજુ કર્યું છે પણ એફિડેવિટ રજુ કર્યુ નથી.

સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી 2026 પૂર્ણ થવાને આજે ત્રણ મહિના જેટલો સમય વીતી ગયો છે ત્યારે નગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા 168 પ્રતિનિધિઓએ નિયમ અનુસાર ચૂંટણી ખર્ચનો હિસાબ જ આપ્યો નથી. આ મામલે રાજ્ય ચૂંટણી આયોગમાં ફરિયાદ કરવામાં આવી છે. હવે તમામ ચૂંટાયેલા સભ્યો પર 6 વર્ષ સુધી ગેરલાયક ઠરવાનું મોટું સંકટ તોળાઈ રહ્યું છે. આ ઉપરાંત, ફરજમાં નિષ્ક્રિય રહેનારા 18 ચૂંટણી અધિકારીઓ વિરુદ્ધ પણ શિક્ષાત્મક પગલાં લેવાની માંગ સાથે સામાન્ય વહીવટી વિભાગ ગાંધીનગરને રજૂઆત કરવામાં આવી છે.

રાજ્ય ચૂંટણી પંચ સમક્ષ એવી ફરિયાદ કરવામાં આવી છે કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓએ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કર્યું છે. 99 ઉમેદવારોએ એફિડેવિટ કે ખર્ચ રજિસ્ટર જેવા કોઈ જ દસ્તાવેજો જમા કરાવ્યા નથી. જ્યારે 52 ઉમેદવારોએ માત્ર એફિડેવિટ રજૂ કરી છે, પરંતુ ચૂંટણી ખર્ચનો કોઈ હિસાબ આપ્યો નથી. આ ઉપરાંત 17 ઉમેદવારોએ ચૂંટણી ખર્ચ પત્રક આપ્યું છે, પરંતુ તેની સાથે જરૂૂરી એફિડેવિટ રજૂ કર્યું નથી. ગેરલાયક ઠરવાની લટકતી તલવાર હેઠળ વિવિધ નગરપાલિકાના 133 અને જિલ્લા પંચાયતના 35 સભ્યોનો સમાવેશ થાય છે. રાજ્ય ચૂંટણી પંચના 16 જાન્યુઆરી, 2008ના આદેશની માર્ગદર્શિકા મુજબ, દરેક ઉમેદવારે ચૂંટણી પરિણામના એક મહિનામાં રોજબરોજનું ખર્ચ, ખર્ચનું તારીખ પત્રક અને ચૂંટણી ખર્ચનું સોગંદનામું ચૂંટણી અધિકારીને ફરજિયાત સબમિટ કરવાનું હોય છે.

સ્થાનિક ચૂંટણીના પરિણામો જાહેર થયાને ત્રણ મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, આ હિસાબો મેળવવામાં આવ્યા નથી. ઉમેદવારો પાસેથી નિયત સમયમર્યાદામાં હિસાબ મેળવવાની જવાબદારી જે-તે ચૂંટણી અધિકારીની હોય છે. મહત્ત્વની વાત એ છે કે, ચૂંટણી અધિકારીઓએ આ મામલે ચિવટ દાખવી નહીં અને ઉમેદવારો પાસે ખર્ચની વિગતો જ મેળવી નહીં. આ જોતાં ફરજમાં ઘોર બેદરકારી બદલ 18 ચૂંટણી અધિકારીઓ સામે પણ હવે શિક્ષાત્મક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

રાજ્ય ચૂંટણી આયોગ સમક્ષ લેખિત રજૂઆત કરી એવી માંગ કરવામાં આવી છે કે, કાયદાનો અનાદર કરનારા 168 ચૂંટાયેલા પ્રતિનિધિઓને તાત્કાલિક કારણદર્શક નોટિસ પાઠવવામાં આવે અને નિયમ અનુસાર છ વર્ષ માટે ગેરલાયક ઠેરવવામાં આવે. આ મામલે હવે રાજ્ય ચૂંટણી પંચ અને ગાંધીનગર વહીવટી વિભાગ કેવા પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. ધ્રાંગધ્રા, વિરમગામ, વિજાપુર, ગોંડલ, સાવલી, પેટલાદ, બાયડ, માંડવી, બારડોલી, ડીસા, સિદ્ધપુર, વાંકાનેર, અમરેલી, મહુવા, કેશોદ, ઉમરગામ અને કલોલ નગરપાલિકાના ઉમેદવારોએ હિસાબ આપ્યો નથી.

ચૂંટણી ખર્ચની અપૂરતી વિગત રજૂ કરનારા સૌરાષ્ટ્રના સભ્યો

નગર વોર્ડ ચૂંટાયેલા પ્રતિનિધિ
પાલિકા નં.
ધ્રાંગધ્રા 1 હેમાબેન ખીમાભાઈ સિંગલ
ધ્રાંગધ્રા 1 પ્રિયંકાબા યોગેન્દ્રસિંહ જાડેજા
ધ્રાંગધ્રા 1 આમરાભાઈ ખોડાભાઈ હાડગડા
ધ્રાંગધ્રા 1 રાજેશકુમાર ધનજીભાઈ પટેલ
ધ્રાંગધ્રા 2 રીટા ધર્મેશ મેવાડા
ધ્રાંગધ્રા 7 વર્ષાબેન રમેશભાઈ કંજારીયા
ધ્રાંગધ્રા 8 પુજાબેન જગદીશભાઈ જાદવ
ધ્રાંગધ્રા 8 ગીતાબેન મુકેશભાઈ લકુમ
ધ્રાંગધ્રા 8 પ્રતિપાલસિંહ ઈન્દ્રસિંહ ઝાલા
ધ્રાંગધ્રા 8 સતીષભાઈ
ધ્રાંગધ્રા 9 ગોપાલભાઈ મધુસુદનભાઈ કાનજીયા
ગોંડલ 1 દિપાલીબેન હિરેનભાઈ વડોદરીયા
ગોંડલ 1 મયુરીબેન મયુરભાઈ આચાર્ય
ગોંડલ 1 ગૌતમભાઈ રાતાભાઈ સિંધવ
ગોંડલ 1 રાજેન્દ્રસિંહ રઘુરાજસિંહ જાડેજા
ગોંડલ 2 હરષદભાઈ મોહનભાઈ વાઘેલા
ગોંડલ 6 રશ્મિબેન રાજેશભાઈ મહેતા
ગોંડલ 6 કૃષ્ણાબેન રાજેશભાઈ તન્ના
ગોંડલ 6 રફીકભાઈ અલ્લારખાભાઈ કાયદા
ગોંડલ 6 મનસુખભાઈ હરિભાઈ રિયાણી
ગોંડલ 7 મનીષાબેન ચિરાગભાઈ ધનાણી
ગોંડલ 7 પાયલબેન પીપળીયા
ગોંડલ 9 મિતલબેન ચિરાગભાઈ ધનાણી
ગોંડલ 9 બીનાબેન શૈલેષભાઈ રોકડ
ગોંડલ 9 અશ્ર્વિનભાઈ જગજીવનભાઈ પચાણી
ગોંડલ 9 દિનેશભાઈ મોહનભાઈ ઉમરાળીયા
ગોંડલ 10 પ્રકાશભાઈ વિઠ્ઠલભાઈ ચડોતરા
ગોંડલ 10 કોમલબેન ભાવેશભાઈ જરેર
ગોંડલ 10 આરતી મનીષ ટોળીયા
ગોંડલ 11 જગદીશભાઈ બચુભાઈ રામાણી
વાંકાનેર 4 મહંમદભાઈ રહમાનભાઈ રાઠોડ
વાંકાનેર – અફસાનાબેન ઈરફાનભાઈ પીપરવાડીયા
વાંકાનેર – એકતા હસમુખભાઈ ઝાલા
વાંકાનેર – અશરફ અનવરભાઈ ચૌહાણ
વાંકાનેર 6 ચેતન ધીરજલાલ કુંપરા
અમરેલી 2 મીનાબેન રવિરાજભાઈ શેખવા
અમરેલી 8 વૈશાલીબેન સંદીપભાઈ માંગરોળીયા
અમરેલી 8 પૂનમ કૌશલ સાવલીયા
મહુવા 6 જીતુબેન જસુભાઈ શિયાળ
મહુવા 6 ચાંદની અશોકકુમાર મહેતા
મહુવા 7 કુસુમબા રાજેન્દ્રસિંહ ગોહિલ
મહુવા 7 નિલમબેન નિલેશકુમાર ગોહિલ
કેશોદ 8 ભાવનાબેન કાનાભાઈ મુછાળ