Site icon Gujarat Mirror

ઝાંઝમેરની ડેરીમાંથી 400 લીટર ભેળસેળવાળું દૂધ ઝડપાયુ

રાજકોટ ગ્રામ્ય એસઓજીના દરોડામાં બે ડેરી સંચાલક સામે કાર્યવાહી

રાજકોટ ગ્રામ્ય પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે આવેલ ‘દ્વારકાધીશ દૂધની ડેરી’માં દરોડો પાડી શંકાસ્પદ દૂધના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. દરોદ્વારામાં અંદાજે 400 લીટર શંકાસ્પદ દૂધનો જથ્થો જપ્ત કરી બે ડેરી સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાય અને પોલીસ અધીક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા ખાદ્યચીજોમાં ભેળસેળ કરનારા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. આ માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમને ધોરાજીના ઝાંઝમેર ગામે આવેલી ’દ્વારકાધીશ દૂધની ડેરી’માં ભેળસેળયુક્ત દૂધ તૈયાર કરવામાં આવતું હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે એસઓજીએ દરોડો પાડ્યો હતો. એસઓજીની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ડેરીના સંચાલકો ગ્રામ્ય વિસ્તારમાંથી દૂધ એકઠું કરતા હતા અને ત્યારબાદ વધુ નફો કમાવવાના આશયથી દૂધની માત્રા અને ફેટ વધારવા માટે તેમાં વિવિધ પદાર્થોની ભેળસેળ કરી કૃત્રિમ કે બનાવટી દૂધ તૈયાર કરતા હતા.

એસઓજીની આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી આશરે 400 લીટર શંકાસ્પદ દૂધ મળી આવ્યું હતું. આરોગ્યની ગંભીરતાને ધ્યાને રાખીને, પોલીસે તાત્કાલિક ફૂડ સેફ્ટી ઓફિસરને જાણ કરી હતી. ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા દૂધના નમૂનાઓ પૃથ્થકરણ માટે નમુના લેવામાં આવ્યા છે અને તેનો બોરેટરી ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. જેથી તેમાં કયા પ્રકારની ભેળસેળ કરવામાં આવતી હતી તે સ્પષ્ટ થઈ શકે. આ સમગ્ર કૌભાંડમાં ડેરીના બે સંચાલકોની સંડોવણી સામે આવી છે ઝાંઝમેર ગામના રહેવાસી રાજુભાઈ ઉર્ફે રાહુલ દુદાભાઈ કસોટીયા અને સાગરભાઈ દુદાભાઈ કસોટીયા સામે એસઓજીએ કાર્યવાહી કરી છે.

ગ્રામ્ય પોલીસની આ કામગીરીથી ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા આવા અસામાજિક તત્વો સામે આગામી સમયમાં પણ પોલીસ દ્વારા ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેવા સંકેતો મળી રહ્યા છે એસઓજીના પી.આઈ એફ.એ. પારગી સાથે પીએસઆઈ જી.જે. ઝાલા,પી.બી. મિશ્રા ,એએસઆઈ પી.કે. શામળા અને એફ.ડી. બ્લોચ પોલીસ કોન્સ્ટેબલ ચિરાગભાઈ કોઠીવાર, રઘુભાઈ ત્રકટા, કલ્પેશભાઈ કોઠીવાર અને નિર્મળસિંહ ચુડાસમાએ કામગીરી કરી હતી.

Exit mobile version