જીએસટી વિભાગ અને પોલીસનું સંયુક્ત ઓપરેશન, બોગસ પેઢી બનાવી બાંધકામ મટીરીયલના ખોટા બિલ બનાવી સરકારને કરોડોનો ચુનો લગાવ્યો
રાજકોટ જીએસટી અને પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડી 400 કરોડના બોગસ બિલીંગના કૌભાંડનો પદાર્ફાશ કરી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. બોગસ પેઢી ઉભી કરી બીલ બનાવી બાંધકામના મટીરીયલના નામે 400 કરોડનાં વ્યવહારો દેખાડી કૌભાંડ આચર્યુ હોવાનું સામે આવ્યું છે. આ મામલે ત્રણ શખ્સોની ધરપકડ કરી પુછપરછ શરૂ કરતી છે. તપાસમાં હજુ પણ અન્ય પેઢીના નામ સામે આવી શકે છે.
રાજકોટમાં જીએસટી વિભાગ અને પોલીસના સંયુક્ત ઓપરેશનમાં રૂૂ. 400 કરોડના મસમોટા બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ મામલે પોલીસે જીલ ઠક્કર, અજય માલિયા અને વિશાલ ઉર્ફે સાગર નામના ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આ આરોપીઓએ બોગસ પેઢીઓ ઊભી કરી લોખંડના સળિયા અને સિમેન્ટ જેવા બાંધકામ મટીરિયલના નકલી બિલો બનાવ્યા હતા. હકીકતમાં કોઈ માલની હેરફેર કર્યા વગર માત્ર કાગળ પર બિલો બનાવીને આર્થિક ગેરરીતિ આચરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
આ કૌભાંડની ગંભીરતા એ વાત પરથી જાણી શકાય છે કે, આરોપીઓએ રૂૂ. 400 કરોડના બોગસ બિલો રજૂ કરીને સરકાર પાસેથી અંદાજે રૂૂ. 40 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી) મેળવી લીધી હતી. જીએસટી વિભાગની ઝીણવટભરી તપાસમાં ડેટા એનાલિસિસ દ્વારા આ શંકાસ્પદ વ્યવહારો પકડાયા હતા. આ નેટવર્ક માત્ર રાજકોટ પૂરતું સીમિત છે કે અન્ય શહેરોમાં પણ તેના તાર જોડાયેલા છે, તે દિશામાં પોલીસ હવે તપાસ કરી રહી છે. પકડાયેલા ત્રણેય શખ્સોની પૂછપરછમાં હજુ પણ કેટલાક મોટા નામો બહાર આવે તેવી શક્યતા છે.

