ગુજરાત
ચોટીલા પાસે અકસ્માતમાં એક જ પરિવારના 4નાં મોત, 16 ઘાયલ
રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે મોડી રાત્રે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં લીંબડી તાલુકાના શિયાણી ગામના કોળી પરિવારના ચાર સભ્યોના મોત થયા હતાં. જ્યારે અકસ્માતમાં ચાલક સહિત 16ને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. શિયાણી ગામના કોળી પરિવાર પિતૃકાર્ય માટે બોલેરો પિકઅપ વાનમાં જતા હતા ત્યારે ચોટીલા નજીક ટ્રક ચાલકે ઓચિંતો વણાંક લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કોળી પરિવારના ચાર સભ્યો કાળનો કોળિયો બની ગયા હતાં.
મળતી વિગતો મુજબ લીંબડી તાલુકાના શિયાણી ગામના કોળી પરિવારના યુવાન પુત્રનું મોત થયુ
હોય જેના કાર્ય માટે કોળી પરિવાર શિયાણી ગામથી સોમનાથ જવા નિકળ્યો હતો. બોલેરો પીકઅપ વાનમાં સોમનાથ તરફ જતાં હતા ત્યારે ચોટીલા નજીક આગળ જતાં ટ્રકે ઓચિંતો વણાંક લેતા બોલેરો ટ્રક પાછળ ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં મગનજીબેન ગોબરભાઈ રેથરિયા ઉ.વ.70 તથા ગલાલબેન કાળુભાઈ રેથરિયા ઉ.વ.70, મંજુબેન ઘનશ્યામભાઈ રેથરિયા ઉ.વ.65 અને ગવરીબેન પોચાભાઈ રેથરિયા ઉ.વ.78નું મોત નિપજ્યું હતું. જ્યારે ચાલક દશરથભાઈ ગોબરભાઈ દેથરિયા ઉ.વ.46 સાથે ભુપતભાઈ રેથરિયા ઉ.વ.75, ગણપત કાળુભાઈ રેથરિયા ઉ.વ.46, ચિકાભાઈ શંકરભાઈ રેથરિયા ઉ.વ.62, મનજીભાઈ સબુભાઈ રેથરિયા ઉ.વ.65, રમેશ ઘનશ્યામભાઈ રેથરિયા ઉ.વ.32, રંજનબેન ખોળાભાઈ રેથરિયા ઉ.વ.50, રાહુલ ખોળાભાઈ રેથરિયા ઉ.વ.24, વિશાલ રાજુભાઈ રેથરિયા ઉ.વ.12, માવજીભાઈ કાળુભાઈ રેથરિયા ઉ.વ.50, બટુકભાઈ ગંગારામભાઈ રેથરિયા ઉ.વ.54, કરમશીભાઈ દેવાભાઈ રેથરિયા ઉ.વ.62, માજુબેન કાળુભાઈ રેથરિયા ઉ.વ.70, ગોબરભાઈ લક્ષ્મણભાઈ રેથરિયા ઉ.વ.68, ગીતાબેન દશરથભાઈ રેથરિયા ઉ.વ.45 અને ઘનશ્યામ લક્ષ્મણભાઈ રેથરિયા ઉ.વ.60ને ઈજા થતાં તમામને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અકસ્માત બાદ રાજકોટ અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે ટ્રાફિક જામ થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જિલ્લા ટ્રાફિક તથા ચોટીલા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ બનાવમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે. શિયાણી ગામે રહેતા ઘનશ્યામભાઈ રેથરિયાનો મોટો પુત્ર નાનપણમાં અવસાન પામ્યો હોય તેનું કાર્ય કરવા માટે પરિવારજનો સોમનાથ જતાં હતાં ત્યારે આ ઘટના બની હતી. બોલેરો પિકઅપ વાનમાં આગળ બધા મહિલાઓ અને બાળકો બેઠા હતા જ્યારે પાછળ બધા પુરુષો બેઠા હતા ટ્રક ચાલક ઓચીંતો આડો આવતા ચાલક દશરથભાઈએ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો.
ત્રણ દેરાણી અને એક જેઠાણીના મોતથી પરિવારનો માળો વિખાયો
ચોટીલા નજીક બનેલા ગમખ્વાર અકસ્માતમાં લીંબડીના શિયાણી ગામના કોળી પરિવારનો માળો વિખાયો હતો. આ અકસ્માતમાં પરિવારના ચાર શભ્યોએ જીવ ગુમાવ્યો છે. જેમાં પરિવારના મોટા જેઠાણી મગનજીબેન ગોબરભાઈ રેથરિયા તથા ત્રણ દેરાણી ગલાલબેન કાળુભાઈ રેથરિયા, બીજા દેરાણી મંજુબેન ઘનશ્યામભાઈ રેથરિયા અને ત્રિજા દેરાણી ગવરીબેન પોચાભાઈ રેથરિયાનું મોત થયું છે. મૃતક મગનજીબેનને સંતાનમાં બે દિકરા અને એક દિકરી છે જ્યારે ગલાલ બેનને ત્રણ પુત્ર જેમાં એક અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે જ્યારે મંજુબેનને એક પુત્ર અને ગવરીબેનને બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. પરિવારના ચાર સભ્યોના મોતથી સમગ્ર કોળી પરિવારનો માળો વિખાયો છે.