દેવભૂમિ દ્વારકાથી મોટા સમાચાર સામે આવ્યા છે. દ્વારકાના મકનપુર ગામે દરિયામાં નાહવા પડેલા 4 મિત્રો ડૂબ્યા હોવાની વિગતો મળી છે. ચાર મિત્રો પૈકી એક યુવાન દરિયામાં ડૂબી જતાં ગુમ થયો છે, જ્યારે અન્ય ત્રણ યુવકોનો આબાદ બચાવ થયો છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર આ 4 યુવકો રાજસ્થાનથી દ્વારકા ફરવા માટે આવ્યા હતા. આ દરમિયાન ચારેય યુવાનો મકનપુર ગામ નજીક દરિયાકાંઠે નાહવા પડ્યા હતા. દરિયામાં ભરતીનો પ્રવાહ અચાનક વધી જતા ચારેય મિત્રો ઊંડા પાણીમાં તણાવા લાગ્યા હતા. જેમાથી ચાર પૈકી ત્રણ યુવાનોને બચાવી લેવાયા હતા. જોકે, એક યુવાન દરિયાના પ્રવાહમાં તણાઈને લાપતા થઈ ગયો હતો જેની શોધખોળ ચાલી રહી છે.
ગઈકાલે મોડી સાંજથી જ ફાયર બ્રિગેડની ટીમ સતત શોધખળ કરી રહી છે. દરિયામાં કરંટ હોવાના કારણે રેસ્ક્યુ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. બીજી તરફ, રાજસ્થાનથી આવેલા આ પ્રવાસી મિત્રોમાં આ અકસ્માતને પગલે ભારે શોક અને ફફડાટ વ્યાપી ગયો છે.

