5547 લોકોને બચાવાયા, નેશનલ હાઇવે-એકસપ્રેસવે સહિત 1300 રસ્તા બંધ થતા વાહન વ્યવહારને ગંભીર અસર, એસ.ટી.ના 1600 રૂટ રદ
પાણી ઓસરતા વલસાડ-નવસારી જિલ્લામાં તરતા મૃતદેહો જોવા મળ્યા, રાહત-બચાવ કામગીરી પૂરજોશમાં
ગુજરાતમાં ચોમાસાના બીજા રાઉન્ડમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે અને રાજયમાં અત્યાર સુધીમાં 31 લોકોના ભોગ લેવાયા છે અને માલ મિલકતને કરોડો રૂપિયાનું નુકશાન થયું છે. છેલ્લા ચાર દિવસમાં રાજયમાંથી 40 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જયારે 5547 લોકોનું રેસક્યુ કરવામાં આવ્યું છે.
અતિભારે વરસાદના કારણે રાજકોટ-અમદાવાદ હાઇવે તથા નવસારી નજીક એકસપ્રેસ વે સહીત 1300 રસ્તા બંધ હોવાથી વાહન વ્યવહારને ગંભીર અસર થવા પામી છે. એસ.ટી.ના 1600 જેટલા રૂટ રદ કરાયા છે. જયારે ટ્રેન વ્યવહાર પણ વ્યાપક પ્રમાણમાં પ્રભાવિત થયો છે.
તીવ્ર વરસાદે ગુજરાતમાં હાલમાં જ ઓછામાં ઓછા 31 લોકોના જીવ લીધા છે. શુક્રવારે પૂરનું પાણી ઓસરતાં દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લાઓમાં તરતા મૃતદેહોના દૃશ્યો સામે આવ્યા હતા. રાહત કમિશનર કચેરીના જણાવ્યા અનુસાર નવસારીમાં 15, વલસાડમાં 7, ખેડામાં 4, અમરેલી અને સુરતમાં બે-બે તથા આણંદમાં એક વ્યક્તિનું મોત થયું છે. મોટાભાગના મૃત્યુ ડૂબી જવાથી થયા છે.
દક્ષિણ ગુજરાત અને અમદાવાદમાં તોફાની વરસાદ બાદ શુક્રવારે મોન્સૂનની તીવ્રતા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો તરફ વળી હતી. દક્ષિણ ગુજરાતમાં વરસાદ અટક્યો હોવા છતાં પૂરની સ્થિતિ ગંભીર બની રહી હતી. હેલિકોપ્ટરો વારંવાર ઉડાન ભરીને અટવાયેલા લોકોને બચાવી રહ્યા હતા અને બચાવ ટીમો પાણીમાં ડૂબેલા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે કામ કરી રહી હતી.
રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 40 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. મોટાભાગના લોકો સગાં-સંબંધીઓના ઘરે ગયા છે, જ્યારે આશરે 2 હજાર લોકોને આશ્રય સ્થળોમાં ખસેડવામાં આવ્યા છે. કુલ 5547 લોકોનો બચાવ કરવામાં આવ્યો છે. નવસારીમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટરે મેંઢાર ગામમાં અટવાયેલા 60 ઝીંગા ફાર્મના કામદારોને બચાવ્યા હતા. ભારતીય સેનાના કોલમને એનડી આરએફ અને એસડીઆરએફની સાથે તૈનાત કરવામાં આવ્યા છે.
વલસાડમાં પાણી ઓસરતાં ઘરો, દુકાનો અને અનાજ-તેલના ગોડાઉનમાં 7 ફૂટ સુધી પાણી ભરાયાના નિશાનો જોવા મળ્યા હતા. જાડા કાદવ અને નાશ પામેલા સ્ટોકને સાફ કરવા મ્યુનિસિપલ ટીમોએ ટ્રેક્ટર અને અર્થમુવર તૈનાત કર્યા હતા. રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય કાર્યકરોએ ઘરે-ઘરે પીવાના પાણીનું ક્લોરિનેશન શરૂૂ કર્યું હતું.
પાણી ઓસરતાં પુલ, રસ્તા અને વસ્તી વિસ્તારો જાડા કાદવ, પ્લાસ્ટિક કચરો અને તૂટેલા વૃક્ષોના અવશેષોથી ઢંકાયેલા જોવા મળ્યા હતા. ઓડિશાથી હવાઈ માર્ગે આવેલી ચાર એનડીઆરએફ ટીમોને વલસાડ અને નવસારી મોકલવામાં આવી છે, જ્યારે એક ટીમ સુરતમાં સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. સેનાના બે કોલમ વલસાડ અને નવસારી પહોંચ્યા છે.
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસેલા ભારે વરસાદને કારણે ગંભીર સ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠકમાં રાજ્યમાં વરસાદની વર્તમાન સ્થિતિ, બચાવ-રાહત કામગીરી તેમજ વીજળી, રસ્તાઓ અને પુરવઠા જેવા મૂળભૂત માળખાકીય સુવિધાના પુન:સ્થાપન અંગે જે-તે વિભાગના સચિવો પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી હતી અને જરૂૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતુ કે, ગુજરાતમાં હાલ 5 વરસાદી સિસ્ટમ સક્રિય છે. તેના કારણે આગામી 3-4 દિવસ સુધી મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, અમદાવાદ, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં સાર્વત્રિક વ્યાપક વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને રાજ્યમાં વિવિધ સ્થળોએ રેડ, ઓરેન્જ અને યેલો એલર્ટ આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ આ વિસ્તારોના જિલ્લા કલેક્ટરો અને વહિવટી તંત્રને હાઈ એલર્ટ મોડ પર રહેવા સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, બચાવ કામગીરી પૂર્ણ થવાની સાથે જ હવે રાહત અને પુન:સ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભારે વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત વિસ્તારો સહિતના વિસ્તારોમાં અસર ગ્રસ્તોને કેશડોલ્સ અને ઘરવખરી સહાય માટે કુલ રૂૂ. 40 કરોડની ફાળવણી કરવામાં આવી છે, વલસાડમાં સહાય ચૂકવવાની કામગીરી શરૂૂ કરી દેવામાં આવી છે અને નવસારીમાં પાણી ઓસરતાં જ આ કામગીરી હાથ ધરવામાં આવશે.
અમદાવાદ એરપોર્ટ પર પાણી ભરાતા 36 ફલાઇટ વિલંબિત, ચાર રદ
શુક્રવારે ભારે વરસાદને કારણે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરફના અભિગમ માર્ગો અને એરપોર્ટના કેટલાક વિસ્તારોમાં મોટા પાયે જળભરાવો થયો હતો. આને કારણે મુસાફરોની આવ-જા અસરગ્રસ્ત થઈ હતી અને 36 ફ્લાઇટ વિલંબિત થઈ હતી, જ્યારે ચાર ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે પ્રતિકૂળ હવામાન છતાં ફ્લાઇટ કામગીરી ચાલુ રહી હતી. પરંતુ મુસાફરોને સલાહ આપવામાં આવી હતી કે તેઓ વહેલા નીકળે, વધારાનો સમય ફાળવે અને મુસાફરી પહેલાં એરલાઇન સાથે નવીનતમ ફ્લાઇટ સ્ટેટસ ચેક કરે. દિવસભર ફ્લાઇટ શેડ્યૂલ અસરગ્રસ્ત રહ્યું હતું. વિલંબિત ફ્લાઇટમાં 23 પ્રસ્થાનો (22 ઘરેલું અને એક કોલંબો તરફની આંતરરાષ્ટ્રીય) અને 13 આગમનો (10 ઘરેલું તથા સિંગાપુર, હો ચી મિન્હ સિટી અને કોલંબોથી ત્રણ આંતરરાષ્ટ્રીય) સામેલ હતા. બહાર જતી ફ્લાઇટમાં દિલ્હી સેક્ટર સૌથી વધુ અસરગ્રસ્ત રહ્યો હતો, જ્યાં ચાર ફ્લાઇટ વિલંબિત થઈ હતી. ત્યારબાદ બેંગલુરુ અને મુંબઈમાં બે-બે વિલંબ નોંધાયા હતા. મુંબઈ તરફની બે પ્રસ્થાન ફ્લાઇટ રદ થઈ હતી, જ્યારે મુંબઈ અને જલગાંવથી આવતી ફ્લાઇટ પણ રદ કરવામાં આવી હતી.
અમરેલી જિલ્લામાં તણાઇ જવાથી બે લોકોના મૃત્યુ
અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન અનરાધાર વરસાદ ખાબકતા સમગ્ર પંથકમાં પૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને વડીયા તાલુકામાં બારે મેઘ ખાંગા થતાં 10 ઇંચ જેટલો વરસાદ નોધાયો છે. જેના કારણે ખેતરો જળમગ્ન બની જવા પામ્યા છે. પૂરના ભયાનક પાણીમાં તણાવાને લીધે અલગ અલગ ઘટનાઓમાં 2 લોકોના કરુણ મોત નિપજ્યા છે. હવામાન વિભાગ અને સ્થાનિક તંત્રના જણાવ્યા પ્રમાણે અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓમાં અતિભારે વરસાદ પડ્યો છે. વડીયા: 10 ઇંચ, બગસરા: 6.5 ઇંચ, અમરેલી અને લીલીયા: 5-5 ઇંચ, બાબરા અને લાઠી: 3.5 ઇંય, ધારી અને સાવરકુંડલા: 2 ઇંચ, ખાંભા: 1.5 ઇંચ, રાજુલા: 1.25 ઇંચ અને લાઠી અને લીલીયા પંથકમાં પૂરમાં તણાતા 2 લોકોના મોત વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને લીધે અમરેલી પંથકમાં નદી-નાળાઓમાં ઘોડાપૂર આવ્યા છે. લાઠી તાલુકામાં બે જુદી જુદી ઘટનામાં બે વ્યક્તિનું તણાઈ જવાથી મોત નિપજ્યું હતું. જ્યારે બીજી તરફ લીલીયાના કૃષ્ણનગર ગામે વાડી વિસ્તારમાં કામ કરતા મધ્યપ્રદેશના 26 વર્ષીય યુવક મિલસાનું પણ પૂરના પ્રવાહમાં તણાઈ જવાથી મોત નિપજ્યુ છે. મો઼ડેથી યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.
