કતારમાં ગેસ પ્લાન્ટ વિસ્ફોટમાં ગુજરાતના 3 યુવાનો લાપતા

સુરતનો સન્ની પટેલ અને દમણના બે યુવાનો સંપર્ક વિહોણા, 12 ભારતીયોના મોત અને 56 શ્રમિકો ગંભીર હોવાથી પરિવાર ચિંતામાં ભીમપોર ગામના એક યુવાન સહિત દક્ષિણ…

સુરતનો સન્ની પટેલ અને દમણના બે યુવાનો સંપર્ક વિહોણા, 12 ભારતીયોના મોત અને 56 શ્રમિકો ગંભીર હોવાથી પરિવાર ચિંતામાં

ભીમપોર ગામના એક યુવાન સહિત દક્ષિણ ગુજરાતના ત્રણ ગુજરાતી યુવકો કતારમાં થયેલા ભયાનક ગેસ પ્લાન્ટ વિસ્ફોટ બાદ લાપતા બન્યા છે. જેના કારણે તેમના પરિવારોમાં ભારે ચિંતા અને શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. દુબઈ નજીક આવેલા કતારના રાસ લાફાન ઔદ્યોગિક વિસ્તારમાં સ્થિત બરજન ગેસ કંપનીમાં રવિવાર રાત્રે થયેલા શક્તિશાળી બ્લાસ્ટ બાદ 56થી વધુ શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું અને હજુ પણ 18 જેટલા કામદારો કાટમાળ નીચે ફસાયેલા હોવાની માહિતી સામે આવી રહી છે. 12 ભારતીયોના મોતની પુષ્ટી થઇ છે.

મળતી માહિતી મુજબ, નવેમ્બર મહિનાથી બંધ રહેલા પ્લાન્ટને ફરી કાર્યરત કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી. પ્લાન્ટના મેન્ટેનન્સ અને સ્ટાર્ટઅપ ઓપરેશન માટે વિવિધ દેશોના ટેકનિકલ કર્મચારીઓ નાઇટ શિફ્ટમાં કામગીરી કરી રહ્યા હતા. એ દરમિયાન અચાનક જ ભયાનક વિસ્ફોટ થયો અને સમગ્ર વિસ્તાર આગની જ્વાળાઓ ફેલાઈ ગઈ હતી.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે, લગભગ 80 કિલોમીટર સુધી ભૂકંપ જેવા આંચકાઓ અનુભવાયા હતા અને આસપાસના વિસ્તારોમાં દહેશત ફેલાઈ ગઈ હતી.

આ ઘટનામાં સુરત જિલ્લાના ભીમપોર ગામના સન્ની ચંપકભાઈ પટેલ સહિત દમણના બે યુવકોનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. સન્ની પટેલ માત્ર આઠ મહિના પહેલા રોજગાર માટે કતાર ગયો હતો અને બરજન ગેસ કંપનીમાં મિકેનિકલ ફિટર તરીકે ફરજ બજાવતો હતો. પ્લાન્ટ બંધ થયા બાદ તેની મેન્ટેનન્સ અને ફરી શરૂૂ કરવાની કામગીરીમાં તે ટેકનિકલ ટીમના સભ્ય તરીકે જોડાયેલો હતો.

પરિવારજનોના જણાવ્યા અનુસાર, સન્ની દરરોજ નોકરી પર જતાં પહેલાં અને કામ પરથી પરત ફર્યા બાદ સુરતમાં રહેતી પત્ની ટિન્કલબેન સાથે ફોન પર વાત કરતો હતો. પરંતુ છેલ્લા 24 કલાકથી તેનો કોઈ સંપર્ક થયો નથી. ફોન પણ બંધ આવી રહ્યો હોવાથી પરિવારની ચિંતા વધી ગઈ છે. સન્નીની પત્ની, માતા-પિતા અને અન્ય સ્વજનો સતત તેના સમાચારની રાહ જોઈ રહ્યા છે.સન્ની પટેલ સાથે નવસારી જિલ્લાના બે યુવાનો અને દમણના એક યુવક પણ સમાન ટીમમાં કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે દક્ષિણ ગુજરાતના અનેક પરિવારોમાં ચિંતા વ્યાપી ગઈ છે. કતારમાં મોટી સંખ્યામાં ગુજરાતના ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારના યુવાનો પેટ્રોલિયમ, ગેસ અને ઔદ્યોગિક કંપનીઓમાં કામ કરે છે. આ દુર્ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચિંતાનો માહોલ સર્જ્યો છે.