હાલમાં આઈપીએલની ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી હોય જેમાં ઓનલાઈન આઈ.ડી.ઉપર ક્રિકેટ સટ્ટો રમતાં શખ્સોને ઝડપી પાડવાની સુચના અન્વયે ક્રાઈમ બ્રાંચની ટીમે શહેરમાં જામનગર રોડ પર આવેલી તાલુકા પંચાયત કચેરી પાસેથી દરોડો પાડી સટ્ટો રમતાં એક શખ્સને ઝડપી લીધો હતો. ત્યારે પર્ણકુટી પોલીસ ચોકી પાસે દરોડો પાડી સટ્ટો રમતાં વેપારી સહિત બે શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઇ વી.ડી.ડોડીયા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ રાહુલ ગોહેલ અને કોન્સ્ટેબલ પ્રદિપસિંહ જાડેજા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પંચવટી મેઈન રોડ, પર્ણકુટીર પોલીસ ચોકીની બાજુમાં ટાગોર ગ્રાઉન્ડમાં બે ઈસમો ઉભેલ છે જે બન્ને ઈસમો પોત પોતાના મોબાઈલ ફોનમાં રહેલ આઇડીમાં ઓનલાઈન જુગાર રમે છે તેવી બાતમીના આધારે ટીમે દરોડો પાડી બંને શખ્સોને અટકમાં લઈ નામ પૂછતા પોતાનું નામ જય દિલીપ સુદાણી (ઉ.વ.26, ધંધો.વેપાર, રહે. નાલંદા પાર્ક શેરી નં.4, માતૃ મંદીર સ્કુલ સામેની શેરી, કાલાવડ રોડ) અને હિરેન નિલેશ ભંડેરી (ઉ.વ.26, રહે. આસોપાલવ લક્ઝુરીયા એપાર્ટમેન્ટ ફ્લેટ નં.એ-501, અંબીકા ટાઉનશીપ, જીવરાજ પાર્ક) હોવાનું જણાવેલ હતું. પોલીસે બંનેના મોબાઈલ ચેક કરતાં તેમાં WORLD777 નામની ક્રિકેટ આઈ.ડી. જોવામાં આવેલ જેમાં આઈપીએલ સિરીઝની મુંબઈ અને કોલકાતા વચ્ચેની મેચમાં જુગાર રમતા હોવાનું ખુલતાં બંને શખ્સોની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.
બીજા દરોડામાં ક્રાઈમ બ્રાંચના એએસઆઈ અમીત અગ્રાવત, હેડ કોન્સ્ેટબલ પ્રદીપસિંહ જાડેજા, રાહુલ ગોહેલ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન જામનગર રોડ પર તાલુકા પંચાયત કચેરીના ગેઈટ પાસે એક શખ્સ ઉભો હોય જે મોબાઈલમાં ઓનલાઈન આઈ.ડી.નો સટ્ટો રમતો હોવાની બાતમીના આધારે પોલીસે તાત્કાલીક દોડી જઈ પિયુષ શિવાભાઈ ઠેસીયા (રહે.કે.કે.પાર્ક, ગોવિંદ રત્ન મેઈન રોડ, મવડી)ને ઝડપી લઈ તેના મોબાઈલની તલાસી લેતાં તેમાં ઓલ પેનલ 777 નામની આઈ.ડી.ખુલી હોય જેમાં તે હાલમાં ચાલી રહેલી આઈપીએલની લખનૌ અને રાજસ્થાન વચ્ચેની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હોવાનું જાણવા મળતાં પોલીસે તેની ધરપકડ કરી મોબાઈલ કબજે કર્યો હતો અને આ આઈ.ડી.કોની પાસેથી લીધી ? તે અંગે વધુ પુછપરછ હાથ ધરી છે.
