સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે પોલીસે દારૂની હેરાફેરી અને વેપલો અટકાવવા કમર કસી લીધી હોય તેમ શહેરમાં દારૂના ત્રણ સ્થળે દરોડા પાડી 1.86 લાખના દારૂ સાથે 4 શખ્સોને ઝડપી પાડયા હતાં. પોલીસે ત્રણેય દરોડામાં કુલ રૂા.7.59 લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, એલસીબી ઝોન-2નાં પીએસઆઈ આર.એચ.ઝાલા, એએસઆઈ જયંતિભાઈ ગોહિલ, હરપાલસિંહ જાડેજા, રાજેશ મિયાત્રા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન 150 ફુટ રીંગ રોડ પર આંબેડકરનગર શેરી નં.5માં બે શખ્સો કારમાં દારૂ સાથે ઉભા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી લલીત ઉગાભાઈ કંટારીયા અને ભાવેશ બાબુભાઈ પરમારને ઝડપી પાડી કારની તલાસી લેતાં વિદેશી દારૂના ચપલા નં.216 (કિ.રૂા.42000) મળી આવતાં પોલીસે દારૂ અને કાર મળી કુલ રૂા.5,42,000નો મુદ્દામાલ કબજે કરી બંને આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે બીજા દરોડામાં ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન બાતમીના આધારે ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી ઓટો રીક્ષાને ઝડપી લઈ તલાસી લેતાં રીક્ષામાંથી દારૂના ચપલા 576 (કિ.રૂા.1,15,200) મળી આવતાં પોલીસે દારૂ અને રીક્ષા મમી કુલ રૂા.1,66,200નો મુદ્દામાલ કબજે કરી આરોપી બિલાલ નજીરભાઈ યુસુફ (રે.રામનાથપરા, હુસેની ચોક)ને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે ત્રીજા દરોડામાં ક્રાઈમ બ્રાંચની ટીમે રાજનગર ચોકમાં મેઘમાયાનગર શેરી નં.4માં દરોડો પાડી શૈલેષ ઉર્ફે કાળીયો કિશોરભાઈ રાઠોડના મકાનમાંથી વિદેશી દારૂની ચપલા નં.94 (કિ.રૂા.29140) ઝડપી લઈ મકાન માલીક શૈલેષ રાઠોડની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

