કચ્છ
ભુજમાં ચાંદીની દુકાનમાંથી 25 કિલો ચાંદીની ઉઠાંતરી
શહેરના જી.આઈ.ડી.સી. ખાતે આવેલી ચાંદી રિફાઈનરીંગની દુકાનની બારી તોડી તેમાંથી આશરે 25 કિલો કાચી ચાંદી કિંમત રૂૂા. 16,70,000ની ચોરી થતા અને હિમાચલ પ્રદેશના નવા બે કામદારો ગુમ થતા તેની સામે ફરિયાદ નોંધાઈ છે. આ અંગે બી-ડિવિઝન પોલીસ મથકે રામચંદ્ર કાકા સાળુંખેએ વિગતવાર નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ મૂળ મહારાષ્ટ્રના છે અને છેલ્લા પાંત્રીસ વર્ષથી પરિવાર સાથે ભુજ સ્થાઈ થઈ ચાંદી કામનો વેપાર કરે છે. ભુજના જીઆઈડીસીમાં ચાંદી રિફાઈનરીંગની તેમની દુકાન છે.
બીજી દૂકાન કંસારા બજારમાં છે. જીઆઈડીસીની દુકાનનું કામ છેલ્લા બાર વર્ષથી પવનકુમાર ઠાકુર અને પ્રિતમચંદ ઠાકુર (રહે. હિમાચલ પ્રદેશ) સંભાળતા હતા. પરંતુ સપ્ટેમ્બર બન્ને સામાજીક પ્રસંગોને લઈ એક મહિના માટે વતન જવાના હોવાથી તેની અવેજીમાં પ્રિતમચંદનો સાળો અજયકુમાર લચ્છુરામ ઠાકુર અને પવનકુમારના ઓળખીતા રમેશચંદ ત્રિલોકચંદ ઠાકુર (રહે. બન્ને હિમાચલ પ્રદેશવાળા) ભુજ આવી દુકાનનું ચાંદી રિફાઈનરીંગનું કામકાજ સંભાળી દુકાનની ઉપર આવેલા રૂૂમ પર રહેતા હતા.
નવા કામદારો હોવાથી આ દુકાનની ચાવી રોહિત સાંવત પાસે રહેતી હતી તે સવારે દુકાન ખોલતા અને સાંજે બંધ કરતા હતા. તા. 13/10ના સવારે રોહિત દુકાન ખોલી જોતા દુકાનની બારી તૂટેલી હતી અને દુકાનમાં કામ કરતા નવા કામદારો અજયકુમાર અને રમેશચંદ હાજર ન હતા. દુકાનમાં રિફાઈનરીંગ માટે આવેલી કાચી ચાંદી આશરે 25 કિ.ગ્રા. કિ. રૂૂા. 16,70,000 જોવામાં આવી નહી. બીજો સામાન અને મશીનરી તે જ હાલતમાં હતા. આ બાદ બન્નેનો ફોનથી સંપર્ક સાધવા પ્રયાસ કરતા બન્નેના ફોન બંધ હાલતમાં હતા. જુના માણસોને ફોન કરી બનાવની જાણ કરતા તેઓએ પણ આરોપીઓના પરિવારનો સંપર્ક કરતા બન્ને હજુ સુધી ઘરે ન પહોંચયાની વિગતો મળતા અંતે આ ચોરી અંગે બન્ને પર શક હોવા સાથે ફરિયાદ નોંધાવી છે.