રાષ્ટ્રીય
ભારતમાં દશામાને નામે 200 કરોડનો કારોબાર: જાથા
શ્રદ્ધાળુઓના કારણે પરપ્રાંતીય ભિક્ષુકો રાજ્યમાં મોટી સંખ્યામાં આવે છે: સાવધાન રહેવા શ્રદ્ધાળુઓને અપીલ
રાજકોટ : સદીઓથી ભારતમાં અનેક ત્યૌહારો, ઉત્સવો, માન્યતાઓ, રિવાજો પ્રમાણે પોતાના પ્રાંત મુજબ આસ્થા પ્રમાણે ઉજવણી થાય છે. દેશમાં શ્રદ્ધા પ્રમાણે ઉજવણી કરવાનો સૌને હક્ક બળેલો છે. છેલ્લા કેટલાક વર્ષોથી દશામાની ઉજવણીમાં કૌતુક ઉભું કરી, ચમત્કાર યેનકેન દયાનાકર્ષણ કરી શ્રદ્ધાનો માહોલ ઊભો કરી લેભાગુઓ વેપાર સાથે રૂૂપિયા ખંખેરવાનું એકમાત્ર કારણ બની ગયું છે તેવો જાથાએ સર્વે મુજબ લોકોની જાગૃતતા માટે હકીકત મુકવામાં આવે છે. તેમાં દશામાના નામે મોટો કારોબાર અને પરપ્રાંતિય ભિખારીઓ કમાણી સાથે યેનકેન છેતરપિંડી કરતા હોવાનું બહાર આવ્યું છે. રાજયમાં શ્રાવણ માસ ઓગસ્ટથી કાર્તિક પૂનમ સુધી સાવધાની રાખવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ લોકોને અપીલ કરી છે.
જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે, છેલ્લા 20 વર્ષથી જોરશોર અને ઉ-માદથી દશામાની ઉજવણી થાય છે. તેમાં છેલ્લા વર્ષોમાં દશામાના વ્રતે જે હરણફાળ પ્રગતિ વિવિધ સ્વરૂૂપે તેમાં ચમત્કાર, વેપારે જે સ્થાન લીધું છે તે વિચારણીય છે. આ વ્રતમાં દશામાની મૂર્તિ તેનું વાહન સાંઢણી, તેના શ્રૃંગાલ, જરૂૂરી ક્રિયાકાંડના સાધનો, ઉપવાસ, કથાઓની ચોપડીઓ, યુટયુબ ઉપર જે રીતે પ્રચાર ખર્ચ અને વેચાણ થઈ રહ્યું છે તેનાથી સૌ કોઈ ચોંકી ઉઠશે. ’મા’ દશામા હંમેશા પૂજનીય માતા શ્રદ્ધાળુઓ અને ધાર્મિક લોકો માટે રહેશે તેમાં શંકા નથી. આદિકાળથી પૂજાય તેમાં ખોટું નથી. શ્રાવણ માસમાં રાજયમાં વ્રતની ઉજવણી ચાલી રહી છે. જેનો મહત્તમ ફાયદો વેપારીઓ ઉપરાંત ચાલક ભૂઈમા અને લેભાગુઓએ ઉઠાવ્યો છે તેના સર્વેમાં ’મા’ દશામાના નામે વેપારીઓ 200 કરોડનો ધંધો કરશે તેવો જાથાનો પ્રાથમિક અંદાજ છે.
રાજયમાં દશામાની ભૂઈમાની સંખ્યા અગણિત છે. તેમાં પણ ધૂણતી ભૂઈમાઓએ ચમત્કાર કરી લાખોની કમાણી શ્રદ્ધાળુઓના ખિસ્સામાંથી સેરવે છે.જાથાના પંડયા જણાવે છે કે એક અંદાજ પ્રમાણે દશામાની વ્રતની કથાઓની ચોપડીઓ રોજની અસંખ્ય વેંચાય છે. ધાર્મિક દુકાનોમાં જથ્થાબંધ વેચાય છે. આ વ્રતની ચોપડીઓ 2 રૂૂપિયાથી લઈને 30 રૂૂપિયા સુધીના ભાવમાં મળે છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, મહેસાણા, કડી, આણંદ, નડીયાદ, રાજકોટ, જામનગર, અમરેલી, જુનાગઢ, સુરેન્દ્રનગર, ભાવનગર સહિત જિલ્લાઓમાં ચોપડીઓનું ધૂમ વેચાણ થાય છે તેવું સર્વેમાં છે. વેપારીઓ ભાવમાં ફેરફાર કરે કે તુરંત બીજા અનુસરે છે. સામાન્ય રીતે એક વેપારી 200 થી માંડીને 400, 800, 1200 થી વધુ પુસ્તિકાનું વેચાણ દરરોજનું બતાવે છે. પોત-પોતાના ધર્મ-ઉત્સવમાં તર્ક-શંકા કરી બારીકાઈથી નિરીક્ષણ કરી લૂંટાય નહિં, માનસિક પછાત ન બને તે માટે પ્રયત્નશીલ થાય તે માટે જાથા અપીલ કરે છે.
અંતમાં જાથાના રાજય ચેરમેન જયંત પંડયા જણાવે છે કે દશામાના વ્રત દરમ્યાન ખોટી રીતે ધૂણીને હેરાન કરતી અને શ્રદ્ધા સાથે ચેડા કરતી ઢોંગી ભૂઈમાંની માહિતી મો. 98252 16689 / 94269 80955 પર સંપર્ક કરવા જણાવાયું છે.