આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત તથા 260 તાલુકા પંચાયતની ચૂંટણીનું આજે આયોજન થઇ રહ્યું છે. ત્યારે રાજકોટમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં મતદાન દરમિયાન ચૂંટણીની આચાર સંહિતાનો ભંગ કરનાર વોર્ડ નંબર 15ના કૉંગ્રેસના ઉમેદવાર મકબુલ દાવદાણીની સહિત 20 લોકોની અટકાયત કરવામાં આવી છે.મતદાન મથકના 100 મીટર અંદર પ્રચાર કરતા હોવાથી અટકાયત કરવામાં આવી છે. મકબુલ દાવદાણીને કોંગ્રેસના 20 કાર્યકરો સાથે થોરાળા પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા.
કોંગ્રેસના ઉમેદવાર મકબુલ દાવદાણી અને વશરામ સાગઠિયાની પોલીસે અટકાયત કરી હતી. બન્ને ઉમેદવારને થોરાળા પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યાં હતાં. બન્નેને નોટિસ આપી પોલીસે છોડી મુકવામાં આવતા ફરીથી તેમના મત વિસ્તારમાં ગયા છે. કોંગ્રેસનું કાર્યાલય મતદાન મથકથી 100 મીટરની અંદર હોવાના કારણે પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતાં.
રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડમાં 72 સીટ સામે 236 ઉમેદવારો મેદાને છે. 9 લાખ 85 હજારથી વધુ મતદારો કૂલ 236 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ કરશે. રાજકોટમાં આજે ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. તંત્ર દ્વારા પાણી-છાયડા સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
રાજકોટ શહેરના 18 વોર્ડની 72 બેઠક માટે મતદાન પ્રથમ બે કલાકમાં 6.91 ટકા મતદાન નોંધાયું. સૌથી વધુ મતદાન વોર્ડ નંબર 15માં 10.79% નોંધાયુ છે. સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર 7માં 3.96% નોંધાયું.
