જામનગરમાં મુસાફરોની ગેરકાયદે હેરફેર કરતા 20 વાહનો ડિટેઈન

જામનગર શહેરમાં પરમિટના નિયમોનો ભંગ કરીને ગેરકાયદેસર રીતે મુસાફરોની હેરાફેરી કરતા વાહનચાલકો સામે જામનગર જિલ્લા પોલીસની ટ્રાફિક શાખા અને એસ.ટી. વિભાગ દ્વારા આજે સંયુક્ત ચેકિંગ…

જામનગર શહેરમાં પરમિટના નિયમોનો ભંગ કરીને ગેરકાયદેસર રીતે મુસાફરોની હેરાફેરી કરતા વાહનચાલકો સામે જામનગર જિલ્લા પોલીસની ટ્રાફિક શાખા અને એસ.ટી. વિભાગ દ્વારા આજે સંયુક્ત ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. શહેરના વિવિધ માર્ગો અને મુખ્ય વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં 13 ઇકો કાર અને સાત લક્ઝરી બસ મળી કુલ 20 વાહનો ડીટેઇન કરવામાં આવ્યાં હતાં. જ્યારે અન્ય નિયમભંગ કરનારા વાહનચાલકો પાસેથી મોટર વ્હીકલ એક્ટ હેઠળ રૂૂ. 15,500નો દંડ વસૂલવામાં આવ્યો હતો.

જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ચૌધરીની આગેવાનીમાં આ સંયુક્ત ઝુંબેશ યોજવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન સુભાષબ્રિજ, ગુલાબનગર બસ ડેપો પાસે, ખીજડીયા બાયપાસ, જાંબુડા પાટિયા અને સાત રસ્તા સર્કલ સહિતના વિસ્તારોમાં વાહનોની તપાસ કરવામાં આવી હતી. ખાસ કરીને પરમિટના નિયમોનો ભંગ કરીને મુસાફરોની હેરાફેરી કરતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

આ ઝુંબેશ દરમિયાન 13 ઇકો કાર અને સાત લક્ઝરી બસ મળી કુલ 20 વાહનો ડીટેઇન કરાયાં હતાં. આ ઉપરાંત મોટર વ્હીકલ એક્ટ હેઠળ અન્ય નિયમભંગ કરનારા વાહનચાલકો પાસેથી રૂૂ. 15,500નો દંડ વસૂલવામાં આવ્યો હતો.આ સંયુક્ત કામગીરીમાં પો.સ.ઇ. આર.સી. જાડેજા, એ.એસ.આઈ. મયુરસિંહ દોલતસિંહ પરમાર, એસ.ટી. વિભાગના એસ.એસ.આઈ. એસ.બી. લખતરીયા સહિત ટ્રાફિક પોલીસ અને એસ.ટી. વિભાગના કર્મચારીઓ જોડાયા હતા. શહેરમાં ગેરકાયદે પેસેન્જર હેરાફેરી અટકાવવા માટે બંને વિભાગ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલી આ કાર્યવાહીથી નિયમોનો ભંગ કરતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.