ગુજરાત
હળવદના કીડી ગામે રોગચાળાએ ભરડો લેતા 17 બાળકો સારવારમાં
15 દિવસમાં ત્રણ માસૂમનો ભોગ લેવાતા હાહાકાર
હળવદ તાલુકાના કીડી ગામમા કચ્છ જેવા ભેદી રોગચાળાએ ભરડો લીધો હોય તેમ છેલ્લા 15 દિવસમાં ત્રણ બાળકોના મોત થયા છે જ્યારે અન્ય સત્તર જેટલા બાળકો હાલ સારવારમાં હોવાની માહિતી મળી રહી છે.
મોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રોગચાળાએ માથું ઉચક્યું હોય તેમ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે.
ત્યારે હળવદ તાલુકાના કીડી ગામે ભેદી રોગચાળાએ અજગર ભરડો લીધો હોય તેમ છેલ્લા 15 દિવસમાં ત્રણ બાળકોના બીમારીના કારણે મૃત્યુ થયા છે.જોકે આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ બે બાળકોનું અન્ય બીમારી તેમજ એક બાળકનું તાવના કારણે મૃત્યુ થયું હોવાનું જણાવી રહ્યા છે. જ્યારે હાલ ગામમાં 17 જેટલા બાળકો બીમાર હોય અને ઘરે જ સારવાર લઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
વધુમાં હળવદના કીડી ગામની વસ્તી 1700ની છે જેથી નાના એવા ગામમાં પંદર દિવસમાં ત્રણ બાળકોના મૃત્યુ થતાં ગામમાં પણ ફફરાટ ફેલાયો છે.ગત તારીખ 28/8 ના રોજ આશિષ (ઉં.વ.11)નું મૃત્યુ થયું હતું જ્યારે 10-9-2024 ના રોજ જેન્સી (ઉં.વ.2) અને 12/9/ 2024 ના રોજ ભાવેશ (ઉં.વ.10)નું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે.