Sports
IPL-2025ના મેગા ઓક્શનમાં 204 સ્લોટ સાથે 1574 પ્લેયર્સ
આગામી તા.24 અને 25ના જેદાહમાં યોજાશે મેગા ઓક્શન
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સીઝનના મેગા ઑક્શન સંદર્ભે ભારતીય ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી છે કે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં 24 અને 25 નવેમ્બરે બે દિવસનું મેગા ઑક્શન યોજાશે. 1574 પ્લેયર્સ માટે 10 ફ્રેન્ચાઇઝી બોલી લગાવશે જેમાં 1165 ભારતીય અને 409 વિદેશી પ્લેયર્સ હશે. આ લિસ્ટમાં 320 કેપ્ડ પ્લેયર્સ, 1224 અનકેપ્ડ પ્લેયર્સ અને અસોસિએટ નેશન્સમાંથી 30 ખેલાડીઓનો સમાવેશ છે.
દરેક ફ્રેન્ચાઇઝી વધુમાં વધુ પચીસ પ્લેયર્સની ટીમ બનાવી શકશે. મહત્ત્વના પ્લેયર્સને રીટેન કર્યા બાદ 10 ટીમ પાસે 204 પ્લેયર્સના સ્લોટ ખાલી છે જેમાંથી 70 સ્લોટ વિદેશી પ્લેયર્સ માટે નિર્ધારિત છે.આ લિસ્ટમાં વિદેશથી સૌથી વધુ સાઉથ આફ્રિકાના 91 ક્રિકેટર્સ ભાગ લેશે. ત્યાર બાદ બીજા ક્રમે ઑસ્ટ્રેલિયાના 76 ક્રિકેટર્સ છે. ઇંગ્લેન્ડના બાવન, ન્યુ ઝીલેન્ડના 39, વેસ્ટ ઇન્ડીઝના 33 અને અફઘાનિસ્તાનના 29-29 પ્લેયર્સ ભાગ લેશે. બંગલાદેશના 13, નેધરલેન્ડ્સના 12, અમેરિકાના 10, આયરલેન્ડના 9, ઝિમ્બાબ્વેના 8, કેનેડાના 4, સ્કોટલેન્ડના બે અને ઇટલી-યુનાઇટેટ આરબ એમિરેટ્સના 1-1 પ્લેયર આ મેગા ઑક્શનનો ભાગ બનશે.