Site icon Gujarat Mirror

રાજકોટના નવનિયુકત 150 શિક્ષકો 3 માસથી પગારથી વંચિત

દિવાળી બગડે એ પહેલા પગાર કરવા DEOને કોંગ્રેસની રજૂઆત; પગાર ન ચૂકવે તો ધેરાવની ચિમકી

દિવાળી પહેલા સરકારનો એડવાન્સ પગારની જાહેરાત કરી છે. પરંતુ રાજકોટના ગ્રાન્ટ ઇન એઇડ શાળાના 150 થી વધુ શિક્ષકો નિરાશ રાજ્યભરમાં તાજેતરમાં ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓમાં નવનિયુક્ત શિક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી તે પૈકી રાજકોટ જિલ્લાના 150 થી વધુ શિક્ષકોની રાજકોટ જિલ્લાના અલગ અલગ ગામડાઓની શાળાઓમાં નિમણૂક કરવામા આવી હતી. જુલાઈ મહિનામા નિમણૂક થયા બાદ આ તમામ શિક્ષકોને હાલ સુધી તંત્ર દ્વારા એક પણ રૂૂપિયો પગાર ચૂકવવામા આવ્યો નથી. રાજ્યના અન્ય જિલ્લાઓ જેમ કે બોટાદ, દાહોદ, અમદાવાદ વગેરેમા આ જ પ્રકારે નિમણૂક પામેલા શિક્ષકોને નિયમિત માસિક પગાર મળી રહ્યો છે.

ત્યારે શિક્ષકોના મુદ્દે આજે કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતે રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરી હતી. રાજપૂતે રજૂઆતમા ઉમેર્યું કે રાજકોટ જિલ્લાના આશરે 150થી વધુ શિક્ષકો એવા છે જેઓએ 28 જુલાઇ 2025ના રોજ નિમણૂક પામેલી શાળાએ હાજર થયા હોવા છતાં આજની તારીખ સુધી (ઓક્ટોબર 2025) ત્રણ મહિના પસાર થયા છતાં પણ એક રૂૂપિયો પગાર પ્રાપ્ત કર્યો નથી.

રાજ્ય સરકાર તરફથી તાજેતરમા સરકારી કર્મચારીઓ માટે દિવાળી બોનસ અને એડવાન્સ પગારની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે રાજકોટ જિલ્લાના આ શિક્ષકો હજી સુધી નિયમિત પગાર વિના તહેવાર ઉજવવા મજબૂર છે. આ તમામ શિક્ષકોમો જુલાઇ (3 દિવસ), ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાનો કુલ રૂૂ. 85,548 જેટલો પગાર બાકી છે.

રાજપૂતે રજૂઆતની અંતમા માંગ કરી હતી કે આ તમામ શિક્ષકોને દિવાળીએ પોતાના પરિવાર સાથે આનંદપૂર્વક તહેવાર ઉજવવાની તક મળે તે માટે આ તમામ નવનિયુક્ત શિક્ષકોના બાકી રહેલા પગારની તાત્કાલિક ચુકવણી થાય અને રાજ્ય સરકારે જાહેરાત મુજબ એક પગાર એડવાન્સનો લાભ અપાય અન્યથા આવનારા અઠવાડિયામા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીનો ઘેરાવ અમારી ટીમ કરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી. હવે જોવું રહ્યુ કે આ જિલ્લા શિક્ષણ અધિકારી આ મુદે માનવીય સંવેદના દાખવી આ સમસ્યાને ઉકેલશી કે આ શિક્ષકોની દિવાળી બગડશે !

Exit mobile version