23 દેશોના 149 મુસાફરો ‘ડેથ શિપ’માં મધદરિયે ફસાયા

મધદરિયે એમવી હોન્ડિયસ ક્રુઝ શિપ હંટા વાયરસના ભરડામાં: દંપતિ સહિત 3ના મોત એટલાન્ટિક મહાસાગરમાં મુસાફરી કરી રહેલા એમવી હોન્ડિયસ ક્રુઝ શિપ પર હંટાવાયરસના સંક્રમણને કારણે…

મધદરિયે એમવી હોન્ડિયસ ક્રુઝ શિપ હંટા વાયરસના ભરડામાં: દંપતિ સહિત 3ના મોત

એટલાન્ટિક મહાસાગરમાં મુસાફરી કરી રહેલા એમવી હોન્ડિયસ ક્રુઝ શિપ પર હંટાવાયરસના સંક્રમણને કારણે ભયનો માહોલ સર્જાયો છે. આ વૈભવી જહાજ પર અત્યાર સુધીમાં ત્રણ લોકોના કરૂૂણ મોત નીપજ્યા છે, જેમાં એક ડચ દંપતી અને એક જર્મન નાગરિકનો સમાવેશ થાય છે. હાલમાં આ જહાજ પર 23 અલગ-અલગ દેશોના 149 મુસાફરો સવાર છે, જેઓ મધદરિયે ફસાયા છે.

આ રહસ્યમય બીમારીનો સિલસિલો 11 એપ્રિલથી શરૂૂ થયો હતો, જ્યારે જહાજ પર એક મુસાફર બીમાર પડ્યો અને તેનું મોત થયું. 24 એપ્રિલે જ્યારે જહાજ સેન્ટ હેલેના પહોંચ્યું, ત્યારે તે મુસાફરનો મૃતદેહ અને તેની પત્ની ત્યાં ઉતર્યા હતા, પરંતુ ટૂંક સમયમાં જ પત્નીનું પણ અવસાન થયું. ત્યારબાદ 27 એપ્રિલે એક બ્રિટિશ નાગરિકની તબિયત લથડતા તેને સારવાર માટે દક્ષિણ આફ્રિકા ખસેડવામાં આવ્યો હતો. વધુ એક જર્મન મુસાફરનું મોત થતા કુલ મૃત્યુઆંક 3 પર પહોંચ્યો છે.

હાલમાં એમવી હોન્ડિયસ જહાજ આફ્રિકન ટાપુ રાષ્ટ્ર કેપ વર્ડેના દરિયાકાંઠે લાંગરેલું છે. સ્થાનિક સત્તા વાળાઓએ સુરક્ષાના કારણોસર કોઈ પણ મુસાફરને નીચે ઉતરવાની મંજૂરી આપી નથી. બે ક્રૂ સભ્યોમાં પણ શ્વસન સંબંધી લક્ષણો જોવા મળ્યા છે, જેમાંથી એકની હાલત ગંભીર છે. આ ગંભીર દર્દીઓને ખાસ એર-એમ્બ્યુલન્સ દ્વારા જહાજમાંથી બહાર કાઢવાની તૈયારીઓ ચાલી રહી છે.દક્ષિણ આફ્રિકાના આરોગ્ય પ્રધાન એરોન મોત્સોઆલેદીએ જણાવ્યું છે કે બ્રિટિશ દર્દીની સ્થિતિ સ્થિર છે, પરંતુ હંટાવાયરસની કોઈ ચોક્કસ દવા ન હોવાથી તેની સારવાર માત્ર લક્ષણોના આધારે કરવામાં આવી રહી છે. હવે આ જહાજને લાસ પાલમાસ અથવા ટેનેરાઇફ તરફ લઈ જવાની વિચારણા ચાલી રહી છે, જ્યાં તમામ મુસાફરોનું સંપૂર્ણ તબીબી પરીક્ષણ કરવામાં આવશે. ઠઇંઘ એ સામાન્ય લોકોને ન ગભરાવા અપીલ કરી છે, કારણ કે આ એક દુર્લભ બીમારી છે.

શું છે હંટાવાયરસ?
હંટાવાયરસ મુખ્યત્વે ઉંદરો અને મૂષક પ્રજાતિના પ્રાણીઓના મળ, પેશાબ અથવા લાળ દ્વારા ફેલાય છે. તે મનુષ્યોમાં ગંભીર શ્વસન રોગ પેદા કરી શકે છે. ડબલ્યુએચઓના જણાવ્યા અનુસાર, આ વાયરસ વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાવાની શક્યતા ઘણી ઓછી હોય છે, પરંતુ તેની ગંભીરતાને જોતા પાંચ વધુ શંકાસ્પદ કેસોની સઘન તપાસ કરવામાં આવી રહી છે.