નમો ભારત ટ્રેનના કોચનો દરવાજો ન ખુલતા 14 મુસાફરો ફસાયા

ધ્રાંગધ્રાથી વિરમગામ સુધી ધરાર મુસાફરી કરવી પડી, ભારે દેકારો નમો ભારત જેવી પ્રીમિયમ ટ્રેનમાં ટેકનિકલ ખામીના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હોવાની ઘટના…

ધ્રાંગધ્રાથી વિરમગામ સુધી ધરાર મુસાફરી કરવી પડી, ભારે દેકારો

નમો ભારત જેવી પ્રીમિયમ ટ્રેનમાં ટેકનિકલ ખામીના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હોવાની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા સ્ટેશન પર ટ્રેનના કોચ નંબર C7નો દરવાજો ન ખૂલતાં 14 મુસાફરો ટ્રેનની અંદર જ ફસાઇ ગયા હતા. મુસાફરોએ વારંવાર ઇમરજન્સી બટન દબાવ્યાં છતાં કોઈ પ્રતિસાદ ન મળતાં તેમને વિરમગામ સુધી ધરાર મુસાફરી કરવાની ફરજ પડી હતી.

મળતી વિગતો મુજબ, ધ્રાંગધ્રા સ્ટેશન પર ટ્રેન ઊભી રહી ત્યારે કોચ ઈ7નો દરવાજો ખુલ્યો નહોતો. આ કોચમાં સવાર સુરેન્દ્રનગરના રાજીવ ગોર સહિત 14 મુસાફરોને નીચે ઉતરવું હતું. મુસાફરોએ દરવાજો ખોલવા માટે 3-3 વખત ઇમરજન્સી બટન દબાવ્યાં હતાં, પરંતુ કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો.ધ્રાંગધ્રા સ્ટેશન પર દરવાજો ન ખૂલતાં મુસાફરોને વિરમગામ સુધી જવું પડ્યું હતું. જોકે, વિરમગામ સ્ટેશન પર પહોંચ્યા બાદ પણ કોચ ઈ7નો દરવાજો ખુલ્યો નહોતો. અંતે મુસાફરોએ અન્ય કોચમાંથી નીચે ઉતરવું પડ્યું હતું.મુસાફરોનો આક્ષેપ છે કે તેમણે રેલવે તંત્ર સમક્ષ ફરિયાદ કરી હોવા છતાં કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નહોતી. પ્રીમિયમ ટ્રેનની મોંઘી ટિકિટ ચૂકવવા છતાં મુસાફરોને આવી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આ ઘટનાને પગલે રેલવે તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. મુસાફરોની સુરક્ષા અને સુવિધા માટે જવાબદાર તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની માગ ઉઠી છે. હવે આ ટેકનિકલ ખામી અંગે રેલવે તંત્ર શું પગલાં લે છે તેના પર સૌની નજર છે.