જામનગરમાં ગુજસીટોકના આરોપીઓએ ખડકેલું 12000 ચો.ફૂટ દબાણ તોડી ઝડપાયા

જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત આજે સિટી ‘એ’ ડિવિઝન…

જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત આજે સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુજસીટોકના આરોપીઓ દ્વારા કરવામાં આવેલા જમીન દબાણ સામે મહત્વપૂર્ણ એક્શન લેવામાં આવ્યું હતું.
માહિતી મુજબ, શહેરના ટિટોડીવાડી વિસ્તારમાં પૂર્વ કોર્પોરેટર અલતાફ ખફી અને તેમની ગેંગ દ્વારા આશરે 12,000 ચોરસ ફૂટ જેટલી જમીન પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. આ બાબત પોલીસના ધ્યાનમાં આવતાં તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જામનગર શહેર વિભાગના ડિવાયએસપી જે.એન. ઝાલા અને સિટી ‘એ’ ડિવિઝનના પી.આઈ. વી.એમ. ડોડીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરાઈ હતી.

જેમાં જેસીબી સહિતના મશીનોની મદદથી ગેરકાયદેસર બાંધકામ અને દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી.

પોલીસ તંત્રએ જણાવ્યું હતું કે શહેરમાં ગુંડાગીરી, ગેરકાયદેસર દબાણ અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ સામે આવનારા સમયમાં પણ આ જ પ્રકારની કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે, અને કાયદાનો ભંગ કરનારાઓ સામે કોઈ શેહ શરમ રાખવામાં નહીં આવે.