કતારના સૌથી મોટા ગેસ પ્લાન્ટ રાસ લાફાનના લિક્વિફાઇડ નેચરલ ગેસ કોમ્પ્લેક્સમાં મોટો વિસ્ફોટ થયો હતો. આ ભયાનક વિસ્ફોટમાં 12 ભારતીય નાગરિકો સહિત કુલ 13 લોકોના મોત થયાં છે. જ્યારે અન્ય 66 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે તેનો આંચકો 70 કિલોમીટર દૂર કતારની રાજધાની દોહા સુધી અનુભવાયો હતો.
આ વિસ્ફોટમાં કુલ ૧૩ લોકોએ જીવ ગુમાવ્યા છે. દોહા સ્થિત ભારતીય દૂતાવાસે આ માહિતી આપી છે. દૂતાવાસે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે આ ઘટનામાં ઘાયલ થયેલા તમામ લોકોની હાલત સ્થિર છે અને તેમની સારવાર ચાલી રહી છે.
કતારના પ્રખ્યાત રાસ લફાન લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) કોમ્પ્લેક્સમાં આવેલા બારઝાન ગેસ સપ્લાય પ્લાન્ટમાં એક ભીષણ વિસ્ફોટ થયો હતો. કતારના અધિકારીઓએ તેને ટેકનિકલ અકસ્માત ગણાવ્યો છે અને તપાસ શરૂ કરી છે. સોમવારે પત્રકારો સાથે વાત કરતા, અલ-કાબીએ મૃત્યુઆંકની પુષ્ટિ કરી અને પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. વિસ્ફોટમાં કુલ ૬૬ લોકો ઘાયલ થયા છે.
દોહા સ્થિત ભારતીય દૂતાવાસના અધિકારીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં આ સમાચારની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે રાસ લફાન ઇન્ડસ્ટ્રિયલ સિટીમાં બનેલી દુઃખદ ઘટનામાં જે લોકો કાળનો કોળિયો બન્યા છે, તેમના પરિવારો પ્રત્યે અમે અમારી ઊંડી સંવેદનશીલતા વ્યક્ત કરીએ છીએ. અમે આ ઘટનાથી પ્રભાવિત થયેલા ભારતીય નાગરિકો અને તેમના પરિવારોને તમામ સંભવિત સહાય પૂરી પાડવા માટે કામ કરી રહ્યા છીએ.
અધિકારીઓએ જણાવ્યું હતું કે અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોની હાલત હાલમાં સ્થિર છે અને તેમને યોગ્ય તબીબી સંભાળ મળી રહી છે. દૂતાવાસ કતારના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે અને અસરગ્રસ્ત ભારતીય નાગરિકો અને તેમના પરિવારોને શક્ય તેટલી વહેલી તકે ભારત પરત મોકલવાની વ્યવસ્થા કરવાનો સમાવેશ થાય છે.
