ઓઝત વિયર વંથલી ડેમના 12 દરવાજા ખોલાયા, 6 ગામોમાં હાઈએલર્ટ જાહેર

જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની અવિરત બેટિંગના કારણે જળપ્રલય જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગિરનાર અને ઉપરવાસના પહાડી વિસ્તારોમાં પડેલા ભારે વરસાદનું પાણી સીધું ઓઝત નદીમાં ઠલવાઈ…

જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની અવિરત બેટિંગના કારણે જળપ્રલય જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગિરનાર અને ઉપરવાસના પહાડી વિસ્તારોમાં પડેલા ભારે વરસાદનું પાણી સીધું ઓઝત નદીમાં ઠલવાઈ રહ્યું છે. જેના કારણે વંથલી તાલુકાની જીવાદોરી સમાન ઓઝત વિયર વંથલી ડેમ તેની ભયજનક સપાટી વટાવી ચૂક્યો હતો. ડેમની જળ સપાટી જાળવી રાખવા માટે સિંચાઈ વિભાગના અધિકારીઓની હાજરીમાં ડેમના એકસાથે 12 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. જ્યારે કેશોદ હાઈવે ઉપર સાબલી ડેમના 11 દરવાજા ખોલવામાં આવતાં મધરવાડા સંપર્ક વિહોણુ બન્યું છે. પુરના કારણે રસ્તા પણ ધોવાઈ ગયા છે.

ઓઝત વિયત ડેમના 12 દરવાજા ખોલાતાની સાથે જ નદીના પટમાં 2700 ક્યુસેક પાણીનો જોરદાર પ્રવાહ છોડવામાં આવ્યો છે. આ અણધારી જળરાશિના કારણે ઓઝત નદી બંને કાંઠે રૌદ્ર સ્વરૂૂપ ધારણ કરીને વહી રહી છે. પૂરના પાણી હેઠવાસ તરફ આગળ વધી રહ્યા હોવાથી વંથલી તાલુકાના નીચાણવાળા વિસ્તારો અને નદી કિનારે વસેલા કણઝા, ટીનમસ, વંથલી (ગ્રામ્ય), ટીકર, આખા અને પીપલાણા ગામના લોકોને સુરક્ષિત સ્થળે રહેવા માટે એલર્ટ કરી દેવાયા છે.

જૂનાગઢ ડિઝાસ્ટર કંટ્રોલ રૂૂમ દ્વારા તમામ છ ગામોમાં લાઉડસ્પીકર અને ડંડી પીટીને માલધારીઓ તેમજ ગ્રામજનોને નદી કિનારે કે કોઝવે પર ન જવા માટે કડક ચેતવણી આપવામાં આવી રહી છે. પોલીસ અને સ્થાનિક પ્રશાસનની ટીમો દ્વારા નદી કિનારાના સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂૂ કરી દેવામાં આવ્યું છે. જો ઉપરવાસમાં વરસાદનું જોર આવું જ રહ્યું તો ડેમમાંથી પાણીની જાવક વધારવામાં આવી શકે છે, જેને પગલે જરૂૂર પડે નીચાણવાળા ઘરોમાંથી સ્થળાંતર કરવા માટે સેલ્ટર હોમ પણ તૈયાર રાખવામાં આવ્યા છે.