રાજકોટ જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અન્વયે રાજકોટ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. જીલ્લામાં ચૂંટણી પૂર્વે પોલીસ એક્શન મોડમાં આવી છે અને જીલ્લામાં 1106 હથિયારો જમા લેવાયા, જયારે 5 લાયસન્સ રદ કરવામાં આવ્યા છે તેમજ 12 ઈસમોને હદપાર કરવામાં આવ્યા છે. જ્યારે જિલ્લામાં અતિ સંવેદનશીલ, સંવેદનશીલ અને સામાન્ય વિસ્તારોમાં આદર્શ આચારસંહિતાના પાલન સાથે પોલીસ સજ્જ થઇ છે.
જિલ્લામાં પાસા હેઠળ કુલ છ કેસોમાં અટકાયતી હુકમ કરવામાં આવ્યા છે. જિલ્લાના કુલ 1206 હથિયારો પૈકી 1106 હથિયારો સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા લેવામાં આવ્યા છે. 86 પરવાનેદારોને જાહેરનામા મુજબ હથિયાર જમા કરાવવામાંથી મુક્તિ અપાઈ છે, જ્યારે પાંચ કેસોમાં હથિયાર જપ્ત અથવા રદ કરવામાં આવ્યા છે. જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના સરળ સંચાલન સાથે, ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-2023 હેઠળ કુલ 15 અલગ-અલગ પ્રકારના જાહેરનામાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. જિલ્લામાં 21 ચેકપોસ્ટ કાર્યરત કરીને કુલ 3000 જેટલા વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું છે.
જો કે કોઈ વાંધાજનક બાબતો સામે આવી નથી. ઉપરાંત નવ લિસ્ટેડ હિસ્ટ્રીશીટર અને છ જુગારીઓને ચેક કરવામાં આવ્યા છે. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના રાહબરી હેઠળ 60 બુટલેગરો પર સફળ રેડ કરવામાં આવી છે. જિલ્લામાં રૂૂ. 2,05,800ની કિંમતનો દેશી દારૂૂ અને રૂૂ. 5,68,716ની કિંમતનો વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

