રાજકોટ શહેરના નાનામવા વિસ્તારમાં એક અત્યંત શરમજનક અને કાળજું કંપાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ વિસ્તારમાં 11 વર્ષની માસૂમ સગીરા પર તેના જ પાડોશમાં રહેતા એક સગીર આરોપીએ દુષ્કર્મ આચરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં આરોપીએ પીડિત બાળકીને જાનથી મારી નાખવાની ધમકી આપીને ચૂપ રહેવા માટે દબાણ કર્યું હતું.આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મૂળ પાટણ પંથકના અને છેલ્લા 18 વર્ષથી રાજકોટમાં વસવાટ કરતા આ પીડિત પરિવારની આર્થિક સ્થિતિ અત્યંત નબળી છે. ઘરના મોભી શાકભાજીનો વેપાર કરે છે, પરંતુ વ્યવસાયમાં મંદી હોવાને કારણે હાલ પતિ અને પત્ની બંને મેટોડા ખાતે મજૂરી કામ કરવા જાય છે. ગત તારીખ 5મી જુલાઈની સાંજે જ્યારે માતા-પિતા કામ પર ગયા હતા, ત્યારે આ અમાનવીય ઘટના બની હતી. સાંજે સાત વાગ્યાના સુમારે ઘરમાં એકલી રહેલી સગીરા પર પાડોશી સગીરે તક જોઈને બાળકીનું મોઢું દબાવી, તેને જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. આટલું જ નહીં, આરોપીએ જતી વખતે બાળકીને ચેતવણી આપી હતી કે જો તે આ અંગે કોઈને પણ વાત કરશે તો તેને ઘરની બહાર નીકળવા નહીં દે અને મારી નાખશે.
ઘટનાના દિવસે રાત્રે આઠ વાગ્યે જ્યારે માતા કામ પરથી પરત ફરી રહી હતી, ત્યારે તેનો પુત્ર રસ્તામાં શાકભાજીની લારી પાસે જોવા મળ્યો હતો. માતાએ પુત્રને ઘરે માતાજીના ધૂપ માટે મોકલ્યો હતો. થોડી જ વારમાં પુત્ર રડતો-રડતો લારીએ પાછો આવ્યો અને માતાને જણાવ્યું કે તેની બહેન ઘરે ખૂબ રડી રહી છે. આ સાંભળી માતા ગભરાઈ ગઈ હતી અને તાત્કાલિક ઘરે દોડી ગઈ હતી.
ઘરે જઈને તેણે દીકરીને ખૂબ જ આઘાતમાં અને રડતી હાલતમાં જોઈ હતી. શું થયું તે પૂછતા દીકરીએ માતાને આખી ઘટના વર્ણવી સંભળાવી હતી. દીકરીની વાત સાંભળી માતા તો ચોકી જ ઉઠી હતી અને તેના પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો. પાડોશમાં રહેતી અન્ય એક મહિલાએ પણ આરોપીને તે સમયે પીડિતાના ઘરની આસપાસથી નીકળતા જોયો હોવાનું જણાવતા આ સમગ્ર ઘટનાની ગંભીરતા સાબિત થઈ હતી.સમગ્ર મામલે સગીરાની માતાએ તાત્કાલિક તાલુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો અને પાડોશમાં રહેતા સગીર આરોપી વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી હતી. આ સંવેદનશીલ કેસને ગંભીરતાથી લઈને તાલુકા પોલીસે પીઆઈ એસ.આર. મેઘાણીના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ અને પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી આરંભી છે.
