જિલ્લા પંચાયતની 36 બેઠકો 1189 પોલિંગ સ્ટેશન
રાજકોટ જિલ્લામાં આગામી તાલુકા પંચાયત અને નગર પાલિકાની ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે.
તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી આખરી તૈયારીઓના ભાગરૂૂપે જિલ્લાની ફાઈનલ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ આંકડાઓ મુજબ, જિલ્લાના 11 તાલુકાના કુલ 202 વોર્ડમાં 9,56,522 મતદારો નોંધાયા છે.
ચૂંટણી અધિકારી નારણ મૂછાળે વિગતો આપતા જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતની કુલ 36 બેઠકો માટે 1189 પોલિંગ સ્ટેશન નક્કી કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા તમામ કેન્દ્રો પર સુવિધા અને સુરક્ષાની સમીક્ષા હાથ ધરવામાં આવી રહી છે.
રાજકોટ જિલ્લાની ફાઈનલ મતદાર યાદી પણ જાહેર થઈ હતી. કલેક્ટર કચેરીના ચૂંટણી અધિકારી અને એડિશનલ કલેકટરના ચાર્જમાં રહેલા નારણ મૂછાળે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના 11 તાલુકામાં 202 વોર્ડની 36 સીટ પર 1189 પોલિંગ સ્ટેશન છે. જ્યાં 9,56,522 મતદારો છે. જેમાં રાજકોટ તાલુકામાં સૌથી વધુ 1,34,482 અને જસદણમાં 1,24,646 મતદારો છે. જ્યારે લોધિકામાં સૌથી ઓછા 46,602 મતદારો છે.
ગોંડલ નગરપાલિકા વિસ્તારની વાત કરીએ તો, કુલ 81,471 મતદારો નોંધાયા છે. જેમાં ગોંડલના કુલ 11 વોર્ડમાં વિભાજીત આ યાદીમાં વોર્ડ નં. 1 માં સૌથી વધુ 9,333 મતદારો છે, જ્યારે વોર્ડ નં. 5 અને 9 માં મતદારોની સંખ્યા તુલનાત્મક રીતે ઓછી જોવા મળી છે.

