ગુજરાત
ગોંડલ અક્ષર મંદિરે 3000 યજમાનો દ્વારા 11.60 લાખ આહુતિ અર્પણ
ભારતીય વૈદિક વિશ્વશાંતિ – લક્ષ્મીહોમ મહાયજ્ઞનું આયોજન તા: 29/10/2024, મંગળવાર આસો વદ તેરસ – ધનતેરસનાં પરમપવિત્ર દિવસે અહીના પ્રસિદ્ધ તીર્થધામ અક્ષરમંદિર દ્વારા કરવામાં આવ્યું હતું. આ મહાયજ્ઞનો શુભારંભ બ્રાહ્મૂહૂર્ત માં સવારે 4:00 વાગ્યે મંદિરની પાર્શ્વ ભાગમાં આવેલ શ્રી અક્ષરધાટનાં પવિત્ર તટે કરવામાં આવ્યો હતો. આ તકે શ્રી અક્ષરધાટને વિવિધ કમાનો અને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યો હતો. આપણા શાસ્ત્રો મુજબ યજ્ઞાશાળાને ગાયના છાણથી લીંપવામાં આવી હતી.
યફાકુંડોને પણ શાસ્ત્રોક્ત રીતે બનાવવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ મહાયજ્ઞમા કુલ 190 જેટલા યજ્ઞકુંડ પર 3000થી પણ વધુ દેશ અને પરદેશથી પધારેલા યજમાનોએ ભાગ લઈ વૈદિક યજ્ઞવિધિમાં જોડાઇ યજ્ઞનારાયણને 11,60,000 આહૂતિ આપી હતી.
મુખ્ય કુંડ પર વરિષ્ટ સંતો યજ્ઞાવિધિમાં જોડાયા હતા. આ સમગ્ર યજ્ઞવિધિ વેદપાઠી બ્રાહ્મણો તથા સંતો દ્વારા સંપન્ન થઈ હતી.
જેમા વિશ્વશાંતિની કામના, તમામનાં સુસ્વાસ્થ તેમજ આજે ધનતેરસનાં પવિત્રદિને સૌ કોઈ તન, મન અને ધનથી સુખી થાય તેવી મંગલ પ્રાર્થના પણ કરવામાં આવી હતી. યજ્ઞ બાદ સૌ યજમાનોએ અક્ષર ઘાટ પર રચેલા અક્ષર અને બ્રહ્મકુંડમાં સ્નાન કરી જીવનનું અદભૂત સંભારણું બાંધી સૌ કોઈ છૂટા પડ્યા.