ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદ અને જળબંબાકાર સ્થિતિને પગલે રાજ્યમાં કુલ 108 માર્ગો બંધ કરવામાં આવ્યા છે. અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો છે અને લોકોને અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારી માહિતી મુજબ ભારે વરસાદના કારણે ભરૂૂચ જિલ્લામાં એક નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યો છે. ઉપરાંત રાજ્યના 6 સ્ટેટ હાઈવે અને 16 અન્ય માર્ગો પણ હાલ વાહનવ્યવહાર માટે બંધ છે.
સૌથી વધુ અસર ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહી છે. પંચાયત હસ્તકના કુલ 85 માર્ગો બંધ થતાં અનેક ગામોનો સંપર્ક પ્રભાવિત બન્યો છે. નવસારી જિલ્લામાં સૌથી વધુ 42 પંચાયત માર્ગો બંધ થયા છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં અવરજવર મુશ્કેલ બની છે.
જૂનાગઢ જિલ્લામાં 24 પંચાયત માર્ગો બંધ કરવામાં આવ્યા છે. ઉપરાંત જિલ્લામાં ભારે વરસાદના કારણે ચાર સ્ટેટ હાઈવે પણ બંધ કરવામાં આવ્યા છે. બીજી તરફ ખેડા અને રાજકોટ જિલ્લામાં એક-એક સ્ટેટ હાઈવે બંધ હોવાની માહિતી સામે આવી છે.
વલસાડ જિલ્લામાં પંચાયત હસ્તકના 7 માર્ગો જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં 5 માર્ગો વરસાદી પાણીના કારણે બંધ કરવામાં આવ્યા છે. સુરત જિલ્લા પંચાયત હસ્તકના 5 માર્ગો પર પણ હાલ વાહનવ્યવહાર બંધ છે.
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે તેમજ લોકોને જરૂૂરી હોય ત્યારે જ મુસાફરી કરવાની સલાહ આપવામાં આવી છે. અધિકારીઓએ નીચાણવાળા વિસ્તારો, નદી-નાળા અને પાણી ભરાયેલા માર્ગો પરથી પસાર ન થવા અપીલ કરી છે. વરસાદી માહોલ વચ્ચે રાહત અને બચાવ ટીમોને પણ એલર્ટ પર રાખવામાં આવી છે. માંગરોળ તાલુકામાં આભ ફાટતા દ્વારકા- સોમનાથ હાઈવે જળમગ્ન થતાં બંધ કરવાની ફરજ પડી છે. માંગરોળના હુસેનાબાદ ગામ નજીક નોળી નદીનો બ્રિજ ધોવાયો હોવાથી નોળી નદીનો બ્રિજ ધોવાતા વાહન વ્યવહાર થયો બંધ થયો છે. બ્રિજ ધોવાતા અનેક વાહન ચાલકો ફસાયા હતા.
એસ.ટી.ના 41 રૂટ અને 12 ટ્રીપ બંધ
છેલ્લા બે દિવસથી ચાલુ ભારે વરસાદને કારણે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC)ની અનેક બસ સેવાઓ પ્રભાવિત થઈ છે. તા. 4 જુલાઈ 2026ની સવારે 9 વાગ્યાની સ્થિતિ મુજબ રાજ્યમાં કુલ 41 રૂૂટ અને 12 ટ્રીપ બંધ કરવામાં આવ્યા છે, જેના કારણે કોર્પોરેશનને 45,461 રૂૂપિયાની આવક ગુમાવવી પડી છે. જૂનાગઢ વિભાગમાં આ અસર સૌથી વધુ જોવા મળી છે. અહીં 40 રૂટ અને 8 ટ્રીપ બંધ કરવામાં આવ્યા છે, જેના કારણે 25,461 રૂપિયાની આવક ગુમાવાઈ છે. પોરબંદર વિભાગમાં પણ 1 રૂટ અને 4 ટ્રીપ બંધ કરવામાં આવ્યા છે, જેના કારણે 20,000 રૂપિયાની આવકનું નુકસાન થયું છે. અન્ય વિભાગોમાં હજુ સુધી મોટા પાયે બસ સેવાઓ પ્રભાવિત થઈ નથી. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને મહેસાણા સહિતના મોટા ભાગના વિભાગોમાં બસ સેવાઓ સામાન્ય રીતે ચાલુ છે.
બે ડેમ હાઈ એલર્ટ પર, વણાકબોરી અને ધોળીધજા 90%થી વધુ ભરાયા
છેલ્લા બે દિવસથી ચાલુ ભારે વરસાદને કારણે રાજ્યના અનેક ડેમોમાં પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે. તા. 4 જુલાઈ 2026 સવારે 8 વાગ્યાની સ્થિતિ મુજબ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના ડેમમાં 2,14,172 મિલિયન ક્યુબિક ફીટ (mcft) પાણીનો સંગ્રહ થયો છે, જે કુલ ક્ષમતાના 64.11% જેટલો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં કુલ 2,01,334 ળભરિં પાણી સંગ્રહિત છે, જે ક્ષમતાના 36.09% છે.સૌથી મહત્વની વાત એ છે કે હાલમાં બે ડેમ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા ડેમમાં 92.84% અને મહીસાગર જિલ્લાના વાણકબોરી ડેમમાં 91.45% પાણી ભરાયું છે. જૂનાગઢ જિલ્લાના બાંટવા-ખારો ડેમને એલર્ટ પર મૂકવામાં આવ્યો છે, જેમાં 84.13% સંગ્રહ થયો છે. વધુમાં સુરેન્દ્રનગરના વાંસલ, રાજકોટના વેણુ-બે, ભાવનગરના રાંઘોળા, પોરબંદરના સરણ, છોટા ઉદેપુરના સુખી, કચ્છના કાલાઘોઘા અને તાપીના ડોસવાડા ડેમને વોર્નિંગ (ચેતવણી) સ્તરે મૂકવામાં આવ્યા છે. આ તમામ ડેમમાં પાણીનું સ્તર 70%થી 80%ની વચ્ચે પહોંચી ગયું છે. સરદાર સરોવર ડેમમાં હાલ 17,743 ક્યુસેક્સ પાણીની આવક થઈ રહી છે, જ્યારે નદીમાં 616 ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહ્યું છે. વાણકબોરી ડેમમાંથી પણ 300 ક્યુસેક્સ પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
