ભારે વરસાદ વચ્ચે 108 એમ્બ્યુલન્સ બની દેવદૂત: 4 સગર્ભાઓની સફળ ડિલિવરી

અત્યારે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ અને પ્રતિકૂળ વાતાવરણ વચ્ચે રાજકોટ જિલ્લાની 108 એમ્બ્યુલન્સ ટીમે ફરી એકવાર માનવતા અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.…

અત્યારે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ અને પ્રતિકૂળ વાતાવરણ વચ્ચે રાજકોટ જિલ્લાની 108 એમ્બ્યુલન્સ ટીમે ફરી એકવાર માનવતા અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વરસાદી આફત અને રસ્તાઓની મુશ્કેલીઓ વચ્ચે પણ 108ના કર્મચારીઓએ પોતાની ફરજને સર્વોપરી માનીને રાજકોટ જિલ્લાના જુદા-જુદા વિસ્તારોમાં ચાર સગર્ભા મહિલાઓની સુરક્ષિત ડિલિવરી કરાવીને નવજાત શિશુઓને જીવનદાન આપ્યું છે. લોધિકા ટીમે સંગણવા ગામના 20 વર્ષીય નુમાબેન મેહડાની હોસ્પિટલ પહોંચતા પહેલા જ સ્થળ પર કુશળતાપૂર્વક સફળ ડિલિવરી કરાવી માતા અને બાળકને લોધિકા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા. તેવી જ રીતે, જામકંડોરણા ટીમે પણ ચિત્રાવડ ગામના 25 વર્ષીય વિણાબેન ગણાવાની એમ્બ્યુલન્સમાં જ સુરક્ષિત પ્રસૂતિ કરાવી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડ્યા હતા.

રાજકોટ જિલ્લાના દેરડી કુંભાજી લોકેશનની ટીમને સાણથલી ગામ નજીક થોરખાણ વાડી વિસ્તારમાંથી 20 વર્ષીય અંજનાબેન રામદાસભાઈનો પ્રસૂતિનો કેસ મળ્યો હતો. ભારે વરસાદને કારણે એમ્બ્યુલન્સ આગળ ન જઈ શકતા પાયલોટ સાગરભાઈ અને ઇએમટી ભાવેશભાઈએ 2 કિલોમીટર વાડી વિસ્તારમાં કાદવ-કિચડ વચ્ચે ચાલીને ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જ્યાં બાળકીનો જન્મ પહેલેથી જ થઈ ચૂક્યો હતો. ટીમે માતા અને બાળકને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડીને સાંણથલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને ત્યારબાદ ગોંડલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સુરક્ષિત ખસેડ્યા હતા.

અન્ય એક કિસ્સામાં સાંણથલી લોકેશનની ટીમને 23 વર્ષીય સીમાબેન બાંભણિયાને સાંણથલી હોસ્પિટલથી જસદણ ટ્રાન્સફર કરવાનો કેસ મળ્યો હતો.

રસ્તામાં દુખાવો વધતા સાંણથલીથી 6 કિમી દૂર જૂના પીપળીયા ગામ નજીક એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવવાની ફરજ પડી હતી. 108 ઇ.આર.સી.પી. ફિઝિશિયન ડો. જે.ડી. પટેલની ટેલિફોનિક સલાહ અને માર્ગદર્શન હેઠળ વિશાલભાઈએ એમ્બ્યુલન્સમાં જ સફળ ડિલિવરી કરાવી હતી અને માતા-બાળકને જસદણ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આ સાહસિક કામગીરી બદલ દર્દીઓના સ્વજનો અને મેડિકલ અધિકારીઓએ 108 ટીમની પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો છે.