દિલ્હીના રિઠાલા વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે એક મોટી દુર્ઘટના બની હતી. અહીં આવેલી ઝૂંપડપટ્ટીમાં અચાનક આગ લાગી અને થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂૂપ ધારણ કર્યું હતું. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે આસપાસના 100થી વધુ ઝૂંપડાઓ બળીને ખાખ થઈ ગયા હતા. આ ઘટનામાં એક યુવતીનું દુર્ભાગ્યપૂર્ણ મોત થયું હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. મળતી માહિતી મુજબ, બુધવારે રાત્રે અચાનક ઝૂંપડપટ્ટીમાં આગ લાગી હતી. શરૂૂઆતમાં આગ એક કે બે ઝૂંપડામાં લાગી હતી, પરંતુ ઝૂંપડપટ્ટીમાં લાકડું, પ્લાસ્ટિક અને અન્ય જ્વલનશીલ સામગ્રી વધુ હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ. થોડા જ સમયમાં આખા વિસ્તારમાં આગના જ્વાળા દેખાવા લાગ્યા હતા.
આગ લાગતા જ સ્થાનિક લોકોએ તરત જ પોલીસ અને ફાયર વિભાગને માહિતી આપી હતી. ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા માટે લગભગ 15થી વધુ ફાયર એન્જિન તાત્કાલિક મોકલવામાં આવ્યા હતા. ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે આગ એટલી વિકરાળ હતી કે તેને સંપૂર્ણ રીતે કાબૂમાં લેવા માટે લગભગ છ કલાકનો સમય લાગ્યો હતો. રાહત અને બચાવ કામગીરી દરમિયાન વધુ ફાયર એન્જિન પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતા.
કુલ મળીને 20થી વધુ ફાયર એન્જિન આગ બુઝાવવાના કામમાં જોડાયા હતા. પોલીસના જણાવ્યા મુજબ, ઘટનાના બાદ એક યુવતી ગુમ થયાની માહિતી મળી હતી. બચાવ કામગીરી દરમિયાન તેની શોધખોળ કરવામાં આવી હતી અને બાદમાં તેનો મૃતદેહ મળ્યો હતો. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ઉભો કર્યો છે.

