ગુજરાત
જેતપુરના ઉદ્યોગકારો પાસેથી હાઈકોર્ટમાં PILના નામે 10 લાખ પડાવ્યા
હાઈકોર્ટના વકીલ અને બાવા પીપળિયાના શખ્સ સામે ગુનો નોંધાયો, પીઆઈએલ દાખલ નહીં કરવા 25 લાખ માગ્યા હતા
જેતપુરમાં ડાઈંગ અને પ્રિન્ટીંગ એસોસીએશનના પ્રમુખ અને હોદેદારોને ડાઈંગ ઉદ્યોગ દ્વારા પ્રદૂષણ ફેલાવાતુ હોય જે બાબતે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરાવવાના નામે હાઈકોર્ટના વકીલ અને જેતપુરના બાવા પિપળિયા ગામના શખ્સે રૂા. 10 લાખ પડાવ્યા બાદ વકીલને આ રકમમાં ભાગ નહીં મળતા વકીલે જેતપુર ડાઈંગ પ્રિન્ટીંગ એસોસીએશનના હોદેદારોને ધમકી આપતા આ મામલે અંતે ગુનો નોંધાતા જેતપુર પોલીસે બન્નેની શોધખોળ શરૂ કરી છે.
જેતપુરના જૂના પાંચ પિપળા રોડ ઉપર ગોવર્ધન સોસાયટીમાં રહેતા જેતપુરના ડાંઈંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસીએશનના સેક્રેટરી ચેતનભાઈ જગદીશભાઈ જોગીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે હાઈકોર્ટના વકીલ રજનીકાંત ચોહાણ અને જેતપુરના બાવા પિપળિયા ગગામના ગોવિંદભાઈ કાંનજીભાઈ ધડુકનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ સેક્રેટરી ચેતનભાઈ જે વહીવટી કામ સંભાળે છે અને એસોસીએશનના પ્રમુખ તરીકે જયંતિભાઈ રામોલિયા જ્યારે ઉપ પ્રમુખ તરીકે સંજયભાઈ વેકરિયા સેવા આવે છે. ગત તા. 5-10ના રોજ એસોસીએશનની ઓફિસમાં પ્લાન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા પ્રવિણભાઈ ગોંડલિયાને ફોન આવ્યો હતો અને ફોન કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ હાઈકોર્ટના વકીલ તરીકે રજનીકાંત ચૌહાણ તરીકે આપી એક અસીલ દ્વારા તમારા એસોસીએશન વિરુદ્ધ પ્રદુષણ બાબતે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરાવવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જો સમાધાન કરવું હોય તો મિટીંગ કરવાની વાત કરી હતી. પ્રવિણભાઈએ પ્રમુખ અને એસોસીએશનના અન્ય હોદેદારો સાથે વાતચીત કરી જણાવશે તેમ કહ્યું હતું.
ત્યાર બાદ ગત તા. 10ના રોજ પ્રમુખ જયંતિભાઈ રામોલિયા અને ઉપપ્રમુખ સંજયભાઈ વેકરિયા ઓફિસે હાજર હતા ત્યારે વકિલ રજનીકાંતે જે ફોન નંબરમાંથી વાત કરી હતી તે નંબરમાંથી વાત-ચીત કરતા રાજકોટ રૂબરૂ મળવા માટેની વાત કરી હતી. જેથી ગત તા. 12-10ના રોજ પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદેદારો રાજકોટની ગ્રિનલેન્ડ ચોકડી પાસે પરસોતમભાઈ વઘાસિયાની ગાયત્રી સ્કીન નામના કારખાનાની ઓફિસે મીટીંગ કરી હતી. જેમાં વકીલ રજનીકાંત ચૌહાણે નામ નહીં દેવાની શરતે પીઆઈએલ દાખલ કરાવનાર અસીલને જો ખર્ચાપાણીના રૂપિયા આપો તો આ પીઆઈએલ દાખલ નહીં કરે તેમ કહી રૂા. 25 લાખની માંગણી કરી હતી. જો કે, એસોસીએશન વિરુદ્ધ હાઈકોર્ટમાં ફરિયાદ નહીં કરવા માટે આટલીબધી રકમ એસોસીએશન આપી શકે નહીં તેમ જણાવી અંતે 10 લાખ રૂપિયામાં વાત નક્કી થઈ હતી. અને પ્રમુખ જયંતિભાઈએ અન્ય આગેવાનોને પુછીને જવાબ આપીશ તેમ કહ્યું હતું.
ગત તા. 15-10ના રોજ રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે પરસોતમભાઈના કારખાને ફરી મિટીેગ થઈ હતી. અને 10 લાખની રકમ આપવાની તૈયારી પ્રમુખે બતાવ્યા બાદ અસીલ વિશે પુછતા તે ગાડીમાં કારખાનાની બહાર બેઠા હોવાનું હાઈકોર્ટના વકીલ રજનીકાંત ચૌહાણે જણાવ્યું હતું. 10 લાખ રૂપિયા આપ્યા બાદ અસીલને બોલાવતા પીઆઈએલ કરનાર જેતપુરના બાવા પિપળિયા ગામનો ગોિવિંદ કાનજી ધડુક હતો જે એસોસીએશનના તમામ હોદેદારોને ઓળખતો હતો. 10 લાખ રૂપિયાની રકમ આપ્યા બાદ હવે ફરીથી અરજી નહી કરે તેવી ખાતરી માટે એડવોકેટ રજનીકાંત ચૌહાણ સહિતના ડાંઈંગ એસોસીએશનના હોદેદારો અને ગોવિંદ ધડુક રાજકોટના જૂના કોર્ટ બીલ્ડીંગ પાસે આવ્યા હતા.ં અને જ્યાં નોટરાઈઝ વકિલ પાસે લખાણ કરાવ્યું હતું. બાદમાં બધા છુટા પડ્યા હતા.
બીજા દિવસે વકીલ રજનીકાંત ચૌહણએ ફોન કરીને પ્રમુખ અને ઉપપ્રમુખને અસીલ ગોવિંદ 10 લાખ રૂપિયા લઈ ગયો હોય અને તે હવે ફોન ઉપાડતો નથી અને હવે તમારે મને રૂા. 10 લાખ રૂપિયા આપવા પડશે નહીતર હું હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરીશ તેવી ધમકી આપી હતી. સતત ધમકીના કારણે ગત તા. 21-10ના રોજ રજનીકાંત જેતપુર આવ્યો હતો. અને તે રૂા. 1 લાખ લઈ ગયા બાદ પણ વધુ રૂપિયા કઢાવવા માટે એસોસીએશન વિરુદ્ધ પીઆઈએલ દાખલ કરવાની ધમકી આપતો હોય જે બાબતે અંતે એસોસીએશન દ્વારા ફરિયાદ દાખલ કરવા માટેનો નિર્ણય લેતા જિલ્લા પોલીસ વડાને મળ્યા બાદ આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
એસોસિએશનની ઓફિસમાં નોકરીએ નહી રાખતા સમગ્ર ષડયંત્ર રચ્યુંંં
જેતપુરના ડાઈંગ એસોસીએશન પાસે 10 લાખ રૂપિયા પડાવનાર હાઈકોર્ટના વકીલ રજનીકાંત ચૌહાણ સાથે મળીને એસોસીએશન વિરુદ્ધ ષડયંત્ર રચનાર જેતપુરના બાવા પિપળિયા ગામનો ગોવિંદ કાનજી ધડુકને આ બાબતે એસોસીએશનના પ્રમુખ સહિતના હોદેદારોએ શા માટે આવુ કર્યુ તે પુછતા ગોવિંદે જણાવ્યું કે, તમે મને એસોસીએશનમાં નોકરીએ રાખ્યો ન હતો અને બીજાએ મને નોકરીએ રાખેલ હોય જેથી તમારા વિરુદ્ધ આ બધુ કર્યુ છે. અને જો 10 લાખ આપો તો જ સમાધાન કર્યુ છે નહીં તો તમને હું દેખાડી દેત કે હું શું કરી શકુ છું આમ ગોવિંદને નોકરીએ નહી રાખતા તેણે વકીલ સાથે મળીને આ ષડયંત્ર રચ્યું હોવાનું ખુલ્યું છે.