ગુજરાત
બિલ્ડરોને ત્યાં ITના દરોડામાં 10 કરોડ રોકડ અને નકલી લોનના દસ્તાવેજો કબજે
વડોદરા, અમદાવાદ અને સુરતમાં આવકવેરા વિભાગે ચાર બિલ્ડર ગૃપ ઉપર પાડેલા દરોડામાં 10 કરોડની રોકડ અને કેટલાક બેનામી મિલ્કતના દસ્તાવેજો આવકવેરા વિભાગને હાથ લાગ્યા છે. તેમજ 22 સ્થળે તપાસમાં નકલી લોનના કેટલાક દસ્તાવેજો મળી આવતા આવકવેરા વિભાગે આ મામલે જીણવટપુર્વક તપાસ શરૂ કરી છે જેમાં મોટી કરચોરી બહાર આવે તેવી શકયતા છે.
ઇન્કમટેક્સ વિભાગે ચાલુ અઠવાડિયામાં બે જુદાં-જુદાં ગ્રુપ પર પાડેલા દરોડામાં 10 કરોડથી વધુની રકમ મળી આવી છે. આ રકમની ગણતરી ચાલુ હોવાથી આંકડો વધવાની સંભાવના છે. આ ઉપરાંત વડોદરાના બિલ્ડર ગ્રુપને ત્યાં પાડેલા દરોડામાં વડોદરા ઉપરાંત સુરત તથા અમદાવાદમાં કુલ 20 સ્થળે દરોડા પાડ્યા હતા. એમાં બે નવાં સ્થળ ઉમેરાયાં છે. આમ, કુલ 22 સ્થળે દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. બે નવાં ઉમેરાયેલાં સ્થળોમાં એક અમદાવાદ તથા એક વડોદરામાં આવેલું છે. હાલ અમદાવાદમાં લેમિનેશન ગ્રુપને ત્યાં સર્ચ નહિ, બલકે સર્વે હાથ ધરાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
વડોદરાના બિલ્ડરને ત્યાં પાડેલા દરોડામાં રકમ કરતાં ઓછી રકમના દસ્તાવેજ કરીને બીજા પૈસા રોકડમાં લેવામાં આવ્યા હોવાનું, ઉપરાંત પૂરેપૂરાં નાણાં રોકડમાં જ લેવામાં આવ્યાં હોવાનું હાથ લાગેલા દસ્તાવેજોની પ્રાથમિક ચકાસણીમાં જાણવા મળ્યું છે. ફક્ત એટલું જ નહીં, નકલી લોનના દસ્તાવેજો તેમજ જમીન, ફ્લેટ અને ફાર્મહાઉસમાં રોકાણ કર્યું એની ઓછી કિંમત આંકવામાં આવી છે. આ ગ્રુપને ત્યાં દરોડાની કામગીરી હજુ ચાલુ હોવાથી મોટી રકમની કરચોરી હાથ લાગે એવી આયકર વિભાગને આશા છે.રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા ન્યાલકરન અને રત્નમ ગ્રુપ તથા એની સાથે સંકળાયેલા લોકો ને ત્યાં 20 સ્થળે દરોડાની કાર્યવાહી હાથ ધરીને વ્યાપક પ્રમાણમાં વાંધાજનક દસ્તાવેજો કબજે કરીને દરોડાની કાર્યવાહી ચાલુ છે.
દરોડામાં મોટી માત્રામાં કરચોરી હાથ લાગે એવી શક્યતા છે.અમદાવાદ, વડોદરા તથા સુરતમાં ગ્રુપના ધંધા તેમજ રહેઠાણનાં સ્થળે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મૂળ દરોડા વડોદરામાં પાડવામાં આવ્યા છે, તેમની સાથે સંકળાયેલા લોકોના અમદાવાદ તથા સુરત ખાતે પણ દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદમાં ચારથી પાંચ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ દરોડાની કામગીરી વધુ દિવસ સુધી ચાલુ રહેવાની સંભાવના દેખાઈ રહી છે. આ બિલ્ડર ગ્રુપ હોવાથી તેમની સાથે સંકળાયેલા લોકોમાં અન્ય ધંધા સાથે સંકળાયેલા લોકો, જેવા કે લેમિનેશન વગેરે ધંધાર્થીઓનો સમાવેશ થાય છે.
રાજકોટ અને મોરબીમાં આવકવેરાની તપાસ
રાજકોટની ખેડા ઇન્ડસ્ટ્રિયલ પ્રા. લિ. અને મોરબીની કાર્મી કલર સેશ પ્રા.લિ.ના પ્રોપરાઈટર મનોજ વલેચા તથા રવિ મનસુખભાઇ જસાણી આ સિરામિક એન્ડ સ્ટોન મશીનરીના ધંધા સાથે સંકળાયેલા છે. આ દરોડામાં જ્વેલરી મળી આવી છે. તપાસ ચાલુ હોવાથી કિંમત જાણવા મળી નથી, એ જ રીતે લોકર્સ પણ મળ્યાં છે. એ ખોલ્યાં બાદ વિગતો પ્રાપ્ત થશે એમ સૂત્રોએ જણાવ્યું છે. એમાં પણ કરચોરીની મોટી રકમ મળી આવવાની શક્યતા છે. આ દરોડામાં જીએસટી ડીજીજીઆઇ વિંગ પણ જોડાયેલી છે.