રાજકોટે સહિત સૌરાષ્ટ્રવાસીઓ જેમની ચાતક નજરે અમિવાટ જોતા હતા તે મેઘરાજાએ અંતે કૃપાદ્રષ્ટિ કરી છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સમગ્ર સૌરાષ્ટ્રમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધીંગી ધારે મેઘમહેર વરસાવી છે. સામાન્ય રીતે 15 જૂન આસપાસ ચોમાસુ બેસી જતુ હોય છે પરંતુ આ વખતે મોડા દર્શન થતા ખાસ કરીને ધરતીપુત્રો ઉપર ચિંતાના વાદળો ઘેરાઇ ગયા હતા, કુવા સુકાઇ ગયા હતા. બોર ડૂકી ગયા હતા. નદી પટમાં ફેરવાવા લાગી હતી. ડેમના તળિયા દેખાવા લાગ્યા હતા.
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના વેણુ-2 ડેમ 78.48 ટકા, સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાનો વંસલ ડેમ 77.08 ટકા, ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાનો રંઘોળા ડેમ 75.6 ટકા, પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાનો સારણ ડેમ 73.37 ટકા, જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાનો બાટવા-ખારો ડેમ 70.96 ટકા ભરાયો છે. જેના પગલે આ ડેમના કેચમેન્ટ એરિયામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
વરસાદના પગલે રાજકોટ જિલ્લામાં રાજ્ય માર્ગ મકાન વિભાગ હસ્તકના બે હાઈવે 3 જુલાઈએ સવારે 9 વાગ્યાની સ્થિતિએ બંધ રહ્યા હતા. જો કે ભારે વરસાદ છતાં રાજકોટ જિલ્લામાં એસ.ટી.નો વાહનવ્યવહાર રાબેતા મુજબ જ શરૂૂ છે. જિલ્લામાં કુલ 382 રૂૂટ પર 1071 ટ્રીપ રાબેતા મુજબ સંચાલિત થઈ છે.
રાજકોટ જિલ્લાને સંલગ્ન મોરબી જિલ્લાના 176 રૂૂટ પર 573 ટ્રીપ અને સુરેન્દ્રનગર જિલ્લાના 369 રૂૂટ પર 938 ટ્રીપ સંચાલિત થઈ છે.
રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના સાત જિલ્લાના મોટા જળાશયો ઉપર બાંધવામા આવેલા ચેકડેમમાં પણ નવા નીરની આવક શરૂૂ થઇ ચુકી છે. ચેકડેમ ભરાયા બાદ ડેમમાં જળરાશી આવવાનો પ્રવાહ વધી જશે.
જો કે ચેકડેમ ભરાવા લાગતા આસપાસના ખેતવિસ્તારોના તળ ઉંચા આવવા લાગ્યા છે. પિયત માટેની ચિંતા હળવી થવા લાગી છે.
