ક્રાઇમ
અવધના ઢાળિયે બિલ્ડિંગ પાસેથી 1.49 લાખના કપલિંગની તસ્કરી
સીસીટીવી ફૂટેજમાં ત્રણ શખ્સો દેખાયા : ‘ધ ગેટ’ના બિલ્ડર ભાવેશભાઈ દેવાણીએ સિકયોરિટીને જાણ કરી
શહેરના કાલાવડ રોડ પર આવેલા ‘ધ ગેટ’ નામના નિર્માણાધિન બિલ્ડીંગ પાસેથી લોખંડની કપલીંગ રૂા.1.49 લાખની ત્રણ શખ્સો ચોરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.
વધુ વિગતો મુજબ, મવડીના જીવરાજ પાર્ક પાસે આદર્શ ડ્રીમમાં રહેતા અને અક્ષર સિકયોરિટી સર્વિસ નામે એજન્સી ધરાવતાં રવિરાજસિંહ સુખદેવસિંહ જાડેજાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ 2023 થી સિકયોરિટી એજન્સી ચલાવે છે તેમની એજન્સીમાં કુલ 21 માણસો કામ કરે છે. તેમજ જુદી જુદી જગ્યાએ તેઓ કોન્ટ્રાકટ કરીને માણસો કામ પર રાખવામાં આવે છે. ત્યારે બિલ્ડર ભાવેશભાઈ મોહનભાઈ દેપાણીની કાલાવડ રોડ પર અવધના ઢાળીયે બની રહેલી સાઈટ ‘ધ ગેટ’ પર ભાયાભાઈ ભાદરકાને નાઈટ સીફટ માટે નોકરી ફાળવવામાં આવી હતી. તેઓને સવારે 7 થી સાંજના 7 વાગ્યા સુધી નોકરીનો ટાઈમ ફાળવવામાં આવ્યો હતો ત્યારે ભાવેશભાઈના નવા બનતા બિલ્ડીંગ પર અલગ અલગ સાઈઝની કુલ 2160 લોખંડની કપલીંગ પડી હતી.
જે ગઈ તા.21નાં રોજ રવિરાજસિંહ જામનગર હતાં ત્યારે બિલ્ડર ભાવેશભાઈનો ફોન આવ્યો હતો અને લોખંડની કપલીંગ અંગે પુછતાં તેમજ કપલીંગની ચોરી થયાનું જણાવ્યું હતું. ત્યારબાદ રવિરાજસિંહ રૂબરૂ સાઈટ ઉપર પહોંચતાં તેમજ આજુબાજુના સીસીટીવી તપાસતા ત્રણ શખ્સો કપલીંગની ચોરી કરી લઈ જતાં દેખાયા હતાં.