રાજકોટ શહેરના ગીતાનગર વિસ્તારમાં રહેતા અને વ્યવસાયે એકાઉન્ટન્ટ 58 વર્ષીય યોગેશભાઈ ત્રિભોવનદાસ કોટકે પોતાની સાથે થયેલી ₹20,00,000 ની ઠગાઈ અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર, કસ્તુરી કાસા એપાર્ટમેન્ટમાં રહેતા પૃથ્વીભાઈ વિઠ્ઠલભાઈ લો અને શૈલેષભાઈ વિઠ્ઠલભાઈ લો નામના બે સગા ભાઈઓએ તેમનો સંપર્ક કર્યો હતો. આ બંને ભાઈઓએ રાજકોટની સાઉથ અટીકા બિલ્ડિંગમાં 13મા માળે “સેફ ઇન્વેસ્ટમેન્ટ” નામે ઓફિસ શરૂૂ કરી હોવાનું જણાવી આકર્ષક સ્કીમની લાલચ આપી હતી. તેઓએ દાવો કર્યો હતો કે જો ફરિયાદી આ સ્કીમમાં ₹20 લાખનું રોકાણ કરશે, તો તેમને 25 મહિના સુધી દર મહિને ₹1,70,000 નું મોટું વળતર આપવામાં આવશે.
આરોપીઓ છેલ્લા એકાદ વર્ષથી પરિચિત હોવાના કારણે ફરિયાદી યોગેશભાઈએ તેમની વાતોમાં આવીને રોકાણ કરવાનું નક્કી કર્યું હતું. તેમણે પોતાના બેંક ઓફ ઇન્ડિયાના એચ.યુ.એફ. સેવિંગ ખાતામાંથી અલગ-અલગ તારીખોએ ટુકડે-ટુકડે ચેક તથા આર.ટી.જી.એસ.મારફતે આરોપી પૃથ્વીભાઈ લો ના ઇંઉઋઈ બેંક ખાતામાં કુલ ₹20,00,000 જમા કરાવી દીધા હતા. આ નાણાકીય વ્યવહારો સપ્ટેમ્બર 2023 થી જૂન 2024 ના સમયગાળા દરમિયાન કરવામાં આવ્યા હતા. રોકાણ કર્યા બાદ ફરિયાદીએ જ્યારે પોતાના વળતર અથવા મૂળ મુદ્દલ રકમની માંગણી કરી, ત્યારે બંને ભાઈઓએ કોઈ પણ પૈસા પરત આપ્યા નહોતા અને છેતરપિંડી આચરી હતી.
સમગ્ર મામલે છેતરાયાનો અહેસાસ થતાં યોગેશભાઈ કોટકે આખરે એ-ડિવિઝન પોલીસ મથકમાં લેખિત ફરિયાદ આપી હતી. પોલીસે આરોપી પૃથ્વીભાઈ વિઠ્ઠલભાઈ લો અને શૈલેષભાઈ વિઠ્ઠલભાઈ લો વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 420 (છેતરપિંડી) અને 34 (સમાન ઈરાદો) મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની આગળની તપાસ મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ક્રિષ્નાબેન કારેણાને સોંપવામાં આવી છે.
