રશિયા-યુક્રેન યુધ્ધ આમને-સામને બેસી ઉકેલવા ઝેલેન્સ્કીનો પુતિનને પ્રસ્તાવ

ચાર વર્ષ કરતાં પણ વધુ સમયથી ચાલી રહેલા રશિયા અને યુક્રેન યુદ્ધની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ રશિયન પ્રમુખ…

ચાર વર્ષ કરતાં પણ વધુ સમયથી ચાલી રહેલા રશિયા અને યુક્રેન યુદ્ધની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને એક ખુલ્લો પત્ર લખીને આમને-સામને બેસીને વાટાઘાટો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ લાંબા યુદ્ધમાં આ પ્રથમ વખત છે જ્યારે ઝેલેન્સ્કીએ આ પ્રકારે ખુલ્લેઆમ પુતિન સમક્ષ સીધી ચર્ચાની દરખાસ્ત કરી છે. તેમણે આ બેઠક માટે કોઈ તટસ્થ દેશ પસંદ કરવાનું સૂચન આપ્યું છે.

ઝેલેન્સ્કીએ પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે આ શાંતિ મંત્રણા ન તો મોસ્કોમાં થવી જોઈએ અને ન તો કીવમાં. તેમણે સ્વિટ્ઝરલેન્ડ, તૂર્કિયે અથવા આરબના કોઈ પણ દેશને આ ઐતિહાસિક મુલાકાત માટે અનુકૂળ ગણાવ્યા છે. ઝેલેન્સ્કીના મતે, મોટા અને જટિલ મુદ્દાઓનો ઉકેલ માત્ર બંને દેશોના સર્વોચ્ચ નેતાઓ જ લાવી શકે તેમ હોવાથી પુતિને વહેલી તકે કોઈ તારીખ નક્કી કરવી જોઈએ. હવે માત્ર અમેરિકા પર નિર્ભર રહીને હાથ પર હાથ ધરીને બેસી રહેવાનો કોઈ ફાયદો નથી, કારણ કે અમેરિકાનું ધ્યાન હાલમાં ઈરાન તરફ વધુ કેન્દ્રિત થયેલું છે.

ઝેલેન્સ્કીએ રશિયા પર ગંભીર આક્ષેપો કરતા લખ્યું છે કે, રશિયાને જમીની સૈન્ય અભિયાનમાં ધારી સફળતા મળી નથી. આ જ કારણે હવે તે બેલિસ્ટિક મિસાઇલનો આડેધડ ઉપયોગ વધારી રહ્યું છે. તેમણે દાવો કર્યો કે રશિયા આ યુદ્ધને હજુ એક-બે વર્ષ લંબાવવા માંગે છે જેથી તે કોઈ પણ ભોગે પોતાનો હેતુ સિદ્ધ કરી શકે. આ ઉપરાંત, પુતિન હવે બેલારુસને પણ આ સંઘર્ષમાં સીધું સામેલ કરવા ઈચ્છે છે અને મોલ્દોવામાં પોતાના સમર્થકો દ્વારા ટ્રાન્સનિસ્ત્રિયાની આસપાસ નવો તણાવ ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.