ત્રણ ગણાની લાલચે યુવક વ્યાજખોરીની ચૂંગાલમાં ફસાયો, 3.50 લાખની છેતરપિંડી

જસદણના બળધોઈ ગામમાં રહેતા અને ફાયનાન્સ કંપનીમાં નોકરી કરતા યુવાનને ઊંચા વળતરની લાલચ આપી લાખો રૂૂપિયાની ઠગાઈ કરવા તથા વ્યાજખોરીના ચુંગાલમાં ફસાવી ગેરકાયદેસર રીતે વ્યાજનો…

જસદણના બળધોઈ ગામમાં રહેતા અને ફાયનાન્સ કંપનીમાં નોકરી કરતા યુવાનને ઊંચા વળતરની લાલચ આપી લાખો રૂૂપિયાની ઠગાઈ કરવા તથા વ્યાજખોરીના ચુંગાલમાં ફસાવી ગેરકાયદેસર રીતે વ્યાજનો ધંધો કરી પઠાણી ઉઘરાણી કરવા અંગે પાંચ સામે ગુનો નોંધાયો છે.

જસદણના બળધોઈ ગામના નિવાસી અને મજૂરી કામ કરતા ભાર્ગવદાસ શીવરામ ગોંડલીયા નામના યુવકે આ અંગે જસદણ પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી ભાર્ગવદાસના જણાવ્યા મુજબ, ઓગસ્ટ 2024 દરમિયાન જસદણના એક કોમ્પ્લેક્સમાં કામ કરતી વખતે તેમની મુલાકાત અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના રાયપર ગામના સંજયભાઈ ધીરૂૂભાઈ ઠુંમર સાથે થઈ હતી. સંજયે એક કંપનીમાં રોકાણ કરીને દર મહિને ત્રણ ગણું વળતર મેળવવાની મોટી લાલચ આપી હતી. વિશ્વાસમાં આવીને ભાર્ગવદાસે ચાર લાખ રૂૂપિયાનું રોકાણ કરવાનું નક્કી કર્યું હતું.

નાણાં રોકાણ માટે નાણાં ન હોવાથી ભાર્ગવદાસે અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી વ્યાજે નાણાં મેળવ્યા હતા જેમાં નાનજીભાઈ પોલાભાઇ પરમાર (દેવળીયા) પાસેથી રૂૂ. 2,00,000 (માસિક રૂૂ. 12,000 વ્યાજ), કિશનભાઇ શીલદાસ ગોંડલીયા (ગઢડીયા) પાસેથી રૂૂ. 20,000 (માસિક રૂૂ. 7,000 વ્યાજ),રવીદાસ પ્રવિણદાસ હરીયાણી (વેરાવળ ભાડ) પાસેથી રૂૂ. 55,000 (માસિક રૂૂ. 7,000 વ્યાજ) અને કમલેશભાઇ જાની (જસદણ) પાસથી રૂૂ. 50,000 (માસિક રૂૂ. 20,000 વ્યાજ) આ તમામ પાસેથી રૂૂ. 3,25,000 વ્યાજે મેળવી અને પોતાના રૂૂ. 25,000 ઉમેરી કુલ રૂૂ. 3,50,000 જસદણ નવા બસ સ્ટેન્ડ પાસે સંજય ઠુંમરને રોકડા આપ્યા હતા. સંજય ઠુંમરે નાણાં મેળવ્યા બાદ કોઈ વળતર કે મુળ રકમ પરત આપી નહોતી. બીજી તરફ વ્યાજખોરોએ ઉઘરાણી શરૂૂ કરી હતી. ફરિયાદીએ નાનજીભાઈને રૂૂ. 2,16,000, કિશનભાઈને રૂૂ. 49,000, રવીદાસને રૂૂ. 63,000 અને કમલેશભાઈને રૂૂ. 1,60,000 જેટલી મસમોટી રકમ વ્યાજ પેટે ચુકવી હોવા છતાં તેમની પઠાણી ઉઘરાણી ચાલુ જ રહી હતી.

ભાર્ગવદાસના નોકરીના સ્થળે આવી ટોળકીએ ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી અને બળજબરીથી ખિસ્સામાંથી નાણાં પડાવી લીધા હતા. આરોપી કમલેશ જાનીએ ફરિયાદી પાસેથી સહી વાળો કોરો ચેક પડાવી તેમાં માતબર રકમ ભરીને બાઉન્સ પણ કરાવ્યો હતો. આરોપીઓના ત્રાસ અને ધમકીથી ડરીને ફરિયાદીને ઘર છોડીને ભાગી જવાની ફરજ પડી હતી. આ મામલે જસદણ પોલીસે તમામ પાંચેય આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.