Site icon Gujarat Mirror

ભચાઉમાં જૂની અદાવતમાં કરાયેલા હુમલામાં ઘવાયેલા યુવકનું મોત : બનાવ હત્યામાં પલટાયો

ભચાઉમાં આઠ દિવસ પૂર્વે જુની અદાવતનો ખાર રાખી બે શખ્સોએ યુવક ઉપર ધોકા પાઈપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવકનું મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. યુવકના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ભચાઉમાં રહેતો સાગર બચુભાઈ હુડીયા નામનો 23 વર્ષનો યુવાન ગત તા.9ના રોજ ભચાઉમાં આવેલ મદીનાનગર ટેલીફોન એકસચેન્જ પાસે હતો ત્યારે ભાવેશ ચતુર અને અજય ચતુર નામના બન્ને શખ્સોએ ઝઘડો કરી ધોકા પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને બેભાન હાલતમાં તાત્કાલીકસારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ યુવાન હોસ્પિટલના બીછાને દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ભચારૂ પોલીસને જાણ કરતાં ભચાઉ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો.

પ્રાથમિક પુછપરછમાં મૃતક યુવાન ચાર ભાઈમાં વચેટ હતો અને અપરિણીત હતો. ઘટનાના દિવસે મૃતક યુવાન આયુષમાન કાર્ડ કઢાવવા તથા આધારકાર્ડ અને પાન પાર્ક લીંક કરાવવા માટે ભચાઉ ગયો હતો ત્યારે જુની અદાવતનો ખાર રાખી સગા બે ભાઈઓએ ખૂની હુમલો કરતાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ભચાઉ પોલીસે સગા બે ભાઈઓ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version